ટાટા સન્સ લિમિટેડના બોર્ડે ગુરુવારે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ સાથે તેમનો કાર્યકાળ હવે 2032 સુધી લંબાયો છે. હાલમાં તેઓ બીજા કાર્યકાળમાં છે અને ફેબ્રુઆરી 2027માં નિવૃત્ત થવાના હતા.
ચંદ્રશેખરને 12 ઓગસ્ટ 2026ના રોજ રાજીનામું આપી દીધું હતું. તે સમયે નોએલ ટાટા સાથે મતભેદો અને ટ્રસ્ટમાં ચાલી રહેલી ખેંચતાણને કારણે આ પગલું લેવામાં આવ્યું હતું. જોકે, હવે બોર્ડે તેમનો કાર્યકાળ લંબાવીને વિશ્વાસ દર્શાવ્યો છે.
ટાટા ગ્રુપમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ ગ્રુપ એક્ઝિક્યુટિવ નિર્ધારિત નિવૃત્તિ વયથી આગળ પોતાના પદ પર કાયમ રહેશે. ગ્રુપની નીતિ મુજબ એક્ઝિક્યુટિવે સામાન્ય રીતે 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થવું જોઈએ, પરંતુ નોન-એક્ઝિક્યુટિવ ભૂમિકામાં 70 વર્ષ સુધી રહી શકે છે. ચંદ્રશેખરન હાલ 63 વર્ષના છે. બીજા કાર્યકાળના અંતે ફેબ્રુઆરી 2027માં તેઓ 65 વર્ષના થઈ જશે. હવે તેઓ 2032માં 70 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે.
ચંદ્રશેખરન પહેલીવાર ઓક્ટોબર 2016માં ટાટા સન્સના બોર્ડમાં જોડાયા હતા અને ચાર મહિના બાદ જાન્યુઆરી 2017માં તેમને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1987માં ટીસીએસમાં ઇન્ટર્ન તરીકે કરી હતી.
ચંદ્રશેખરનના નેતૃત્વમાં ટાટા ગ્રુપે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગ્રુપે એવિએશન, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, બેટરી અને ડિજિટલ બિઝનેસ જેવા નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે. નાણાકીય વર્ષ 2020માં ગ્રુપની આવક ₹7.89 લાખ કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2026માં વધીને ₹16.24 લાખ કરોડ થઈ ગઈ. ગ્રુપનો નફો ₹32,000 કરોડથી વધીને ₹1.71 લાખ કરોડ થયો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 2020ના ₹9.31 લાખ કરોડથી વધીને 2026માં ₹24.39 લાખ કરોડ થયું.
ટાટા ગ્રુપ, ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. ટાટા ગ્રુપ એટલે ટાટા નામથી ચાલતી અલગ-અલગ કંપનીઓ અને વ્યવસાયોનો સમૂહ, જેમ કે ટીસીએસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા પાવર અને એર ઈન્ડિયા. ટાટા સન્સ એ ગ્રુપની મુખ્ય કંપની છે, જે મોટી કંપનીઓમાં હિસ્સો ધરાવે છે અને મહત્વના નિર્ણયો લેવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. ટાટા ટ્રસ્ટ્સ સામાજિક અને પરોપકારી કાર્યો કરતા ટ્રસ્ટોનું સમૂહ છે, જેની પાસે ટાટા સન્સનો આશરે 66% હિસ્સો છે.