સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પાર્ટીમાં નોન-વેજ ફૂડની તસવીર પોસ્ટ કરતાં પ્રિયંકા ચોપરા ટ્રોલના ભરડામાં

દિવાળી પાર્ટીમાં નોન-વેજ ફૂડની તસવીર પોસ્ટ કરતાં પ્રિયંકા ચોપરા ટ્રોલના ભરડામાં

વૈશ્વિક સ્તરે લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ વિદેશમાં રહેતી હોવા છતાં ભારતીય તહેવારો અને પરંપરાઓ ધામધૂમથી ઉજવે છે. તેણે લોસ એન્જલસ સ્થિત પોતાના ઘરે પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે દિવાળી ઉજવી હતી અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જોકે, આ પોસ્ટમાં સામેલ એક તસવીરને કારણે તેણી સોશિયલ મીડિયા પર ટીકાના નિશાને આવી ગઈ છે.

પોસ્ટ કરેલી તસવીરોમાં પૂજા, રોશની અને પરિવાર સાથેના દ્રશ્યોની સાથે એક તસવીર એવી પણ હતી, જેમાં પ્રિયંકા સોનેરી-કથ્થઈ રંગની તળેલી વાનગી ખાતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાનગી તળેલા ઝીંગા છે. સંબંધિત પોસ્ટમાં જાતે એવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે તે વાનગી શું છે.

દિવાળી જેવા ધાર્મિક તહેવાર પર નોન-વેજ વાનગીની તસવીર જોઈને ઘણા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી. એક યુઝરે ટીકા કરતાં કહ્યું કે લક્ષ્મી પૂજા અને ધાર્મિક ઉજવણી વચ્ચે નોન-વેજ વાનગી ખાતી તસવીર પોસ્ટ કરવાની જરૂર શું હતી? અન્ય એક યુઝરે લખ્યું કે વ્યક્તિગત પસંદગી પોતાની જગ્યાએ છે, પણ પરંપરાઓનું સન્માન જાળવવું જોઈએ. કેટલાક યુઝર્સે દીવડાના સ્થાને મીણબત્તી વાપરવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

બીજી તરફ, કેટલાક ફેન્સે પ્રિયંકાનો બચાવ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વિદેશમાં રહ્યા પછી પણ પ્રિયંકા પુત્રી માલતીને હિન્દુ શ્લોકો શીખવે છે અને દરેક ભારતીય તહેવાર પ્રેમથી ઉજવે છે. ખાવા-પીવાની પસંદગી અંગત બાબત છે, તેથી દરેક વાતમાં વિવાદ ઊભો ન કરવો જોઈએ.

આ સમગ્ર વિવાદ અને ટ્રોલિંગ અંગે પ્રિયંકા ચોપરા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા આપવામાં આવી નથી.

🕐 આ ઘટનાના અગાઉના અહેવાલ

10 Nov 2026, 09:37 PM દિવાળી પાર્ટીમાં નોન-વેજ ફૂડ પર પ્રિયંકા ચોપરા ટ્રોલનાં નિશાને