વિદેશમાં રહેતી પણ ભારતીય તહેવારો અને પરંપરાઓને પ્રેમથી ઉજવતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ આ વખતે દિવાળી પછી સોશિયલ મીડિયા પર ટ્રોલનાં નિશાને આવી છે. લોસ એન્જલસમાં પરિવાર સાથે દિવાળી ઉજવ્યા બાદ તેણે ઇન્સ્ટાગ્રામ પર ઉજવણીની તસવીરોનો કેરોયુઝલ પોસ્ટ શેર કર્યો હતો.
આ પોસ્ટમાં પૂજા, રોશની અને પરિવાર સાથેના ફોટા સાથે એક તસવીર પણ હતી, જેમાં પ્રિયંકા ગોલ્ડન-બ્રાઉન રંગની ફ્રાઇ કરેલી વાનગી ખાતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફ્રાઇ કરેલા ઝીંગા છે. તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
દિવાળી જેવા ધાર્મિક તહેવાર પર નોન-વેજ વાનગી ખાતી તસવીર જોઈને ઘણા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી. એક યુઝરે લખ્યું, “લક્ષ્મી પૂજા અને ધાર્મિક ઉત્સવ વચ્ચે નોન-વેજ ખાવાની તસવીર પોસ્ટ કરવાની શું જરૂર હતી?” બીજા એક યુઝરે કહ્યું, “આવા પવિત્ર સમયે ઝીંગા કોણ ખાય? અંગત પસંદગી પોતાની જગ્યાએ છે, પણ પરંપરાઓનું સન્માન જળવાવું જોઈએ.” કેટલાકે દીવડાંને બદલે કેન્ડલ વાપરવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
બીજી તરફ અમુક ફેન્સે પ્રિયંકાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે વિદેશમાં રહ્યા પછી પણ તે પુત્રી માલતીને હિન્દુ શ્લોકો શીખવે છે અને દરેક ભારતીય તહેવાર પ્રેમથી ઉજવે છે. ખાવા-પીવાની પસંદગી અંગત હોય છે, તેથી દરેક વાતમાં વિવાદ ઊભો ન કરવો જોઈએ.
આ સમગ્ર ટ્રોલિંગ પર પ્રિયંકા ચોપરા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા આપવામાં આવી નથી.