સત્ય. સાહસ. સંકલ્પ.

પાટીદાર આંદોલનમાં આનંદીબેનને મુખ્યમંત્રી પદ ગુમાવવા પર દિનેશ બાંભણિયાનો વસવસો

પાટીદાર આંદોલનમાં આનંદીબેનને મુખ્યમંત્રી પદ ગુમાવવા પર દિનેશ બાંભણિયાનો વસવસો

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને લઈને એક નવું નિવેદન ચર્ચામાં છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના આગેવાન દિનેશ બાંભણિયાએ જાહેરમાં કબૂલ્યું છે કે આંદોલનના કારણે પાટીદાર સમાજે આનંદીબેન પટેલ જેવા સારા મુખ્યમંત્રી ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં પોતે નિમિત્ત બન્યા હોવાનું દુઃખ છે અને તેઓ આનંદીબેન પટેલને મળીને માફી માંગવા માંગે છે.

જસદણ ખાતે યોજાયેલા એક સ્નેહમિલન કાર્યક્રમમાં દિનેશ બાંભણિયાએ આ વાત ખુલીને કહી. તેમણે જણાવ્યું કે પાટીદાર સમાજે અનામત આંદોલન દરમિયાન એક સારા મુખ્યમંત્રી ગુમાવ્યા છે. અમે આ ઘટનામાં નિમિત્ત બન્યા તેનું અમને દુઃખ છે. તેમણે આનંદીબેન પટેલને મળીને માફી માંગવાની ઇચ્છા પણ વ્યક્ત કરી.

દિનેશ બાંભણિયાના આ નિવેદનથી પાટીદાર અનામત આંદોલનના જૂના દિવસોની ચર્ચા ફરી શરૂ થઈ છે. આંદોલન દરમિયાન આનંદીબેન પટેલ અને પાટીદાર આગેવાનો વચ્ચે ભારે રાજકીય ખેંચતાણ જોવા મળી હતી. તે સમયે હાર્દિક પટેલ દ્વારા આનંદીબેનને વારંવાર ફોઈ કહીને સંબોધિત કરવાના મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો. હવે આંદોલનના વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ જાહેરમાં વસવસો વ્યક્ત કરતાં આનંદીબેન પટેલને મળીને માફી માંગવાની વાત કરી છે. જોકે, આ મુદ્દે હાર્દિક પટેલે હજુ સુધી આવો કોઈ વસવસો વ્યક્ત કર્યો નથી.

બીજી તરફ, દિનેશ બાંભણિયાના નિવેદન બાદ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનું નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. અનાર પટેલે જણાવ્યું હતું કે તેમની માતા આનંદીબેન પટેલના હૃદયમાં કંઈ નથી. પાટીદાર સમાજના દીકરાઓ પ્રત્યે કોઈ દુઃખ કે નારાજગી નથી. તેમણે પાટીદાર આગેવાનોને આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરાવવાનું વચન પણ આપ્યું છે. અનાર પટેલના આ નિવેદનથી પાટીદાર આગેવાનો અને આનંદીબેન પટેલ વચ્ચે ફરી સંવાદનો માર્ગ ખુલે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. આંદોલન વચ્ચે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ આનંદીબેન પટેલે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં આંદોલન અને હાર્દિક પટેલ અંગે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે હાર્દિક સરકારને ખોટી રીતે બદનામ કરી રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. હવે વર્ષો બાદ દિનેશ બાંભણિયાના નિવેદને ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે.

🕐 આ ઘટનાના અગાઉના અહેવાલ

18 Nov 2026, 11:17 AM પાટીદાર આંદોલન પર વસવસો: દિનેશ બાંભણિયા બોલ્યા- આનંદીબેનને મળી માફી માંગવી છે