અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના આગેવાન દિનેશ બાંભણિયાએ જાહેરમાં કબૂલાત કરી છે કે અનામત આંદોલનને કારણે પાટીદાર સમાજે આનંદીબેન પટેલ જેવા સારા મુખ્યમંત્રી ગુમાવ્યા છે. આંદોલનના કારણે આનંદીબેનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમાં પોતે નિમિત્ત બન્યા હોવાનો તેમને વસવસો વ્યક્ત કર્યો છે.
જસદણ ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં બાંભણિયાએ કહ્યું કે, "અમે નિમિત્ત બન્યા તેનું દુઃખ છે. અમે આનંદીબેન પટેલને મળીને માફી માંગવા માંગીએ છીએ." તેમના આ નિવેદનથી પાટીદાર અનામત આંદોલનના જૂના દિવસોની ચર્ચા ફરી શરૂ થઈ છે.
ઉલ્લેખનીય છે કે આંદોલન દરમિયાન આનંદીબેન પટેલ અને પાટીદાર આગેવાનો વચ્ચે ભારે રાજકીય ખેંચતાણ જોવા મળી હતી. તે સમયે હાર્દિક પટેલ દ્વારા આનંદીબેનને વારંવાર 'ફોઈ' કહીને સંબોધિત કરવાના મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો. જોકે, આ મુદ્દે હાર્દિક પટેલે હજુ સુધી આવો કોઈ વસવસો વ્યક્ત કર્યો નથી.
બીજી તરફ, દિનેશ બાંભણિયાના નિવેદન બાદ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનું નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. અનાર પટેલે જણાવ્યું હતું કે તેમની માતા આનંદીબેન પટેલના હૃદયમાં કોઈ દુઃખ કે નારાજગી નથી. તેમણે પાટીદાર સમાજના દીકરાઓ પ્રત્યે કોઈ કડવાશ ન હોવાનું જણાવ્યું હતું. તેમણે પાટીદાર આગેવાનોને આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરાવવાનું વચન પણ આપ્યું છે. અનાર પટેલના આ નિવેદનથી પાટીદાર આગેવાનો અને આનંદીબેન પટેલ વચ્ચે ફરી સંવાદનો માર્ગ ખુલે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. આંદોલન વચ્ચે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ તેમણે એબીપી અસ્મિતા સાથેની મુલાકાતમાં આંદોલન અને હાર્દિક પટેલ અંગે ખુલીને વિચારો વ્યક્ત કર્યા હતા અને હાર્દિક સરકારને ખોટી રીતે બદનામ કરી રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. હવે વર્ષો બાદ દિનેશ બાંભણિયાના નિવેદને ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે.