બાળકો ઘરનું પૌષ્ટિક ભોજન છોડીને શાળાની બહાર મળતા ચિપ્સના પેકેટ કે સસ્તા પિઝા ખાવાનું વધુ પસંદ કરે છે. બાળકોની આ ટેવ અને તેમામાં ઝડપથી વધી રહેલી સ્થૂળતા રોકવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ એક નવો ડ્રાફ્ટ નિયમ પ્રસ્તાવિત કર્યો છે. આ નિયમ લાગુ થશે તો દેશની 15 લાખથી વધુ શાળાઓની આસપાસ વેચાતા જંક ફૂડ પર અંકુશ આવશે.
50 મીટરની હદમાં શું બંધ થશે?
ડ્રાફ્ટ મુજબ કોઈપણ શાળાની 50 મીટરની ત્રિજ્યામાં વધુ ચરબી, ખાંડ અને મીઠું ધરાવતા ખોરાક (HFSS)ના વેચાણ અને જાહેરાત પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એટલે કે બર્ગર, પિઝા, નૂડલ્સ, સમોસા, કચોરી જેવા ફાસ્ટ ફૂડ, ચિપ્સ તથા ખારા પેકેજ્ડ નાસ્તા, વધુ ખાંડવાળા કોલા-કાર્બોનેટેડ પીણાં અને ચોકલેટ કે કેન્ડી જેવી મીઠાઈઓ આ વિસ્તારમાં વેચી શકાશે નહીં.
કઈ મર્યાદા નક્કી કરવામાં આવી છે?
ખોરાકમાં ચરબી, મીઠું કે ખાંડ વધારે છે કે નહીં તે નક્કી કરવા FSSAIએ 2026ના ડ્રાફ્ટમાં સ્પષ્ટ ગણતરી આપી છે:
• ચરબી: પ્રતિ 100 ગ્રામ ખોરાકમાં 4.2 ગ્રામથી વધુ નહીં
• ખાંડ: પ્રતિ 100 ગ્રામમાં 3 ગ્રામથી વધુ નહીં
• મીઠું: પ્રતિ 100 ગ્રામમાં 0.625 ગ્રામથી વધુ નહીં
આ નિયમની જરૂર કેમ પડી?
કારણ ભારતના બાળકોમાં વધી રહેલું વજન છે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના આંકડા પ્રમાણે, 2015માં 5થી 19 વર્ષના લગભગ 2.8 કરોડ બાળકો વધુ વજનવાળા હતા. 2025-26માં આ આંકડો 4.1 કરોડથી વધુ થઈ ગયો છે. આ જ ગતિ ચાલુ રહી તો 2040 સુધીમાં દેશમાં મેદસ્વી બાળકોની સંખ્યા 5.6 કરોડ સુધી પહોંચી શકે છે.
FSSAIના CEO રજિત પુન્હાનીએ જણાવ્યું છે કે મુખ્ય હેતુ બાળકોને નાની ઉંમરથી જ બિનઆરોગ્યપ્રદ ટેવોથી દૂર રાખીને તેમામાં સ્વસ્થ ખોરાક ખાવાની આદત કેળવવાનો છે.
દુકાનદારો અને કંપનીઓ પર શું અસર?
નિયમ લાગુ થવાથી શાળાઓની આસપાસની કરિયાણાની દુકાનો, ફૂડ સ્ટોલ, રેસ્ટોરાં તથા પેપ્સીકો, કોકા-કોલા, નેસ્લે અને મોન્ડેલેઝ જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓને સીધી અસર થશે. દુકાનદારોનું કહેવું છે કે તેમની રોજની કમાણીમાં 30થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે. જ્યારે અધિકારીઓ કહે છે કે દુકાનદારો જંક ફૂડને બદલે હેલ્ધી ખોરાક વેચીને પોતાનો વેપાર ચાલુ રાખી શકે છે.
નિષ્ણાતો માને છે કે ચિલી અને મેક્સિકો જેવા દેશોની જેમ આ કાયદાને કારણે મોટી FMCG કંપનીઓને પોતાના ઉત્પાદનોમાં મીઠું, ખાંડ અને ચરબીનું પ્રમાણ ઘટાડવું પડશે.
અમલીકરણમાં પડકાર
ભારતીય ખાદ્ય વેપાર અને ઉદ્યોગ સંઘની દલીલ છે કે દેશમાં ઘણી શાળાઓ ગીચ બજારોની વચ્ચે આવેલી છે. ત્યાં શાળાની 50 મીટરની હદ પ્રમાણે વેચાણ અટકાવવું વ્યવહારુ રીતે અઘરું છે. આ ઉપરાંત ઘણા દુકાનદારો પાસે પોતાનું વેચાણ શાળાના વિદ્યાર્થીઓ પર જ નભે છે.
નિષ્ણાતો કહે છે કે નિયમની સફળતા સ્થાનિક અમલીકરણ પર આધાર રાખે છે. શાળા વ્યવસ્થાપન, નગરપાલિકા અને ફૂડ વિભાગ સાથે મળીને કામ કરે તો જ શાળાની આસપાસ સ્વસ્થ ખોરાક ઉપલબ્ધ બનાવવાનું શક્ય બનશે.