સત્ય. સાહસ. સંકલ્પ.

શાળાની 50 મીટરની આસપાસ જંક ફૂડ પર પ્રતિબંધની તૈયારી, FSSAIએ ડ્રાફ્ટ બહાર પાડ્યો

શાળાની 50 મીટરની આસપાસ જંક ફૂડ પર પ્રતિબંધની તૈયારી, FSSAIએ ડ્રાફ્ટ બહાર પાડ્યો

શાળાઓની આસપાસ વેચાતા જંક ફૂડ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કેન્દ્ર સરકારે શરૂ કરી છે. નવી પ્રસ્તાવિત નીતિ મુજબ શાળાના 50 મીટરના દાયરામાં હાઈ ફેટ, શુગર અને સોલ્ટ (HFSS) ધરાવતા ખાદ્ય પદાર્થોના વેચાણ અને જાહેરાત પર રોક લગાવવામાં આવશે. ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ, બર્ગર, નૂડલ્સ અને પેકેજ્ડ સ્નેક્સ જેવા ઉત્પાદનો આ યાદીમાં આવે તેવી શક્યતા છે.

આ પગલાનો હેતુ બાળકોને નાની ઉંમરથી જ વધુ ચરબી, ખાંડ અને મીઠાવાળા ખોરાકથી દૂર રાખવાનો છે. જોકે આ નિયમો લાગુ થાય તો શાળાઓની આસપાસની દુકાનો અને ખાવા-પીવાના સ્ટોલ પર અસર પડી શકે છે. વેપારીઓએ તેમની કમાણી ઘટવાની ચિંતા વ્યક્ત કરી છે.

FSSAIના 2026ના ડ્રાફ્ટ મુજબ, 100 ગ્રામ ઘન ખાદ્ય પદાર્થમાં 4.2 ગ્રામથી વધુ ચરબી હોય તો તેને હાઈ ફેટ ગણવામાં આવશે. તે જ રીતે 100 ગ્રામમાં 3 ગ્રામથી વધુ વધારાની ખાંડ હોય તો તે હાઈ શુગર કેટેગરીમાં આવશે. મીઠા માટે 100 ગ્રામમાં 0.625 ગ્રામથી વધુની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

બાળકોમાં વધતા મેદસ્વીપણા અને ખરાબ ખાનપાનની આદતોને ધ્યાનમાં રાખીને આ નિયમો લાવવામાં આવી રહ્યા છે. સરકારનું કહેવું છે કે શાળા બાળકોના જીવનનો મહત્વનો હિસ્સો છે, તેથી FSSAI શાળાઓ અને તેની આસપાસ મળતા ખોરાક માટે નિયમો કડક બનાવવા પર કામ કરી રહ્યું છે.

શાળાઓની આસપાસ સામાન્ય રીતે નાની દુકાનો, કરિયાણાના સ્ટોર અને ખાવા-પીવાના સ્ટોલ હોય છે. આ સ્થળોએ HFSS ઉત્પાદનોના વેચાણ પર રોક લાગે તો વેપારીઓએ પોતાની વેચાણની રીત બદલવી પડી શકે છે.

મહત્વની વાત એ છે કે 50 મીટરના દાયરામાં જંક ફૂડ પરનો પ્રતિબંધ અત્યારે અમલમાં આવ્યો નથી. FSSAIએ નિયમોમાં સુધારાનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે અને લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. FSSAIની વેબસાઇટ મુજબ સૂચન આપવાની આખરી તારીખ 9 ઓક્ટોબર 2026 છે.