ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં ઝિમ્બાબ્વેએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ જેવી ટીમોએ ક્યારેય બનાવ્યો નથી. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી ટેસ્ટમાં ઝિમ્બાબ્વેએ બંને ઇનિંગ્સમાં 500થી વધુ રન ફટકાર્યા. આ પહેલા કોઈ પણ ટીમ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં આટલા રન બનાવી શકી નહોતી.
ઝિમ્બાબ્વેએ પ્રથમ ઇનિંગમાં આક્રમક બેટિંગ કરતાં 504 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાને પ્રથમ ઇનિંગમાં 514 રન ફટકાર્યા. બીજી ઇનિંગમાં ઝિમ્બાબ્વેએ 5 વિકેટે 523 રન કરીને ઇનિંગ ડિક્લેર કરી. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત એક જ ટીમે એક મેચની બંને ઇનિંગ્સમાં 500 રનનો આંકડો પાર કર્યો છે. મેચ ડ્રોમાં પૂરી થઈ, પણ ઝિમ્બાબ્વેનું નામ રેકોર્ડ બુકમાં કાયમ માટે નોંધાઈ ગયું.
આ ટેસ્ટમાં બેટ્સમેનોનું દબદબો રહ્યો અને કુલ છ સદી નોંધાઈ. ઝિમ્બાબ્વેની પ્રથમ ઇનિંગમાં બ્રેન્ડન ટેલરે 131 અને બ્રાયન બેનેટે 128 રન બનાવ્યા. ટેલરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો.
બીજી ઇનિંગમાં 41 વર્ષીય અનુભવી ક્રેગ એર્વાઇને અણનમ 206 રનની બેવડી સદી ફટકારી. આ સાથે તેઓ ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજા સૌથી ઉંમરના બેટ્સમેન બન્યા. એર્વાઇન સાથે વેસ્લી માધેવેરે પણ અણનમ 100 રન બનાવ્યા, જે તેમની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી હતી. અફઘાનિસ્તાન તરફથી રહેમત શાહ, સેદીકુલ્લાહ અટલ અને રહેમાનુલ્લાહ ગુરબાઝે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી.
પાંચ દિવસ ચાલેલી આ મેચમાં કુલ 25 વિકેટ પડી અને રેકોર્ડ 1541 રન બન્યા. ઝિમ્બાબ્વે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 500થી વધુ રન બનાવનારી પ્રથમ ટીમ બની છે.