સત્ય. સાહસ. સંકલ્પ.

ઝેરોધા પર અમેરિકન શેરબજારમાં રોકાણ શરૂ, પસંદગીના ગ્રાહકોને ઍક્સેસ

ઝેરોધા પર અમેરિકન શેરબજારમાં રોકાણ શરૂ, પસંદગીના ગ્રાહકોને ઍક્સેસ

ઝેરોધાએ તેના કાઇટ એપ પર પસંદગીના ભારતીય યુઝર્સ માટે અમેરિકન શેરબજારમાં રોકાણ કરવાની સુવિધા શરૂ કરી છે. આ સેવા હાલમાં ટેસ્ટિંગના તબક્કામાં છે. તેના દ્વારા રોકાણકારો અમેરિકાના 2,000થી વધુ શેરો અને 1,000થી વધુ ઈટીએફ ખરીદી અને વેચી શકશે.

દરેક સોદા પર 0.1% બ્રોકરેજ લાગશે, જેમાં લઘુત્તમ 0.01 ડોલર (લગભગ 95 પૈસા) અને મહત્તમ 10 ડોલર (લગભગ ₹950)ની મર્યાદા રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે 20,000 ડોલરના શેર ખરીદો તો સામાન્ય ગણતરી પ્રમાણે 20 ડોલર બ્રોકરેજ થાય, પરંતુ કેપને કારણે તમારે ફક્ત 10 ડોલર ચૂકવવા પડશે.

ઝેરોધા પહેલાં ગ્રો અને IND મની જેવા પ્લેટફોર્મ્સ આ સુવિધા આપી રહ્યાં છે. ગ્રો પર અમેરિકન સ્ટૉક્સ માટે બ્રોકરેજ 0.1% છે, પરંતુ ત્યાં લઘુત્તમ 1 ડૉલરનો ચાર્જ લાગે છે અને મહત્તમ ફીની કોઈ મર્યાદા નથી. આ બંને પ્લેટફોર્મ્સની જેમ ઝેરોધા પર પણ બી-શૅર ટુકડાઓમાં ખરીદી શકાશે, એટલે કે આખો શેર ખરીદવાની જરૂર નથી.

જ્યારે તમે ભારતમાંથી અમેરિકન શેર્સ ખરીદો છો, ત્યારે તમારે રૂપિયાને ડૉલરમાં બદલવા પડે છે. આ પ્રક્રિયામાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ખર્ચ થાય છે. સૌથી પહેલા કરન્સી કન્વર્ઝન ફી આવે છે, જેમાં બ્રોકર્સ વાસ્તવિક કરન્સી રેટ કરતાં 0.5%થી 1.2% સુધી વધુ ચાર્જ વસૂલે છે. આ ઉપરાંત, ભારતીય બેંક અકાઉન્ટમાંથી વિદેશી બ્રોકરના અકાઉન્ટમાં પૈસા મોકલવા પર ટ્રાન્સફર ફી અલગથી લાગે છે. સાથે જ, સરકારના ટૅક્સ TCS/GST અને અન્ય નાના-મોટા ચાર્જ પણ ઉમેરાય છે.

ઉદાહરણ તરીકે, જો તમે ₹1 લાખના અમેરિકન શેર ખરીદો છો, તો આશરે ₹500થી ₹1,200 માત્ર ડૉલર કન્વર્ઝન ફીમાં કપાઈ જશે. બાકીની ટ્રાન્સફર ફી અને કર તેના ઉપરાંત અલગથી લાગશે.

ઝેરોધાએ એટલું તો જણાવ્યું છે કે ટ્રેડિંગ ગિફ્ટ સિટી મારફતે થશે, પરંતુ અમેરિકામાં તેમનો સ્થાનિક બ્રોકર અથવા ટેક પાર્ટનર કોણ છે, તેની માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.

આ સુવિધા હાલમાં માત્ર ભારતમાં રહેતા રોકાણકારો માટે છે. NRIs અને કંપનીઓ તથા ટ્રસ્ટના ખાતાઓને તેમાં રોકાણ કરવાની મંજૂરી નથી. વિદેશમાં નાણાં મોકલવા માટે RBIની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS)ના નિયમોનું પાલન કરવું પડશે.