સત્ય. સાહસ. સંકલ્પ.

ઝરિયા મહાદેવ: ગુફામાં સ્વયંભૂ શિવલિંગ પર અવિરત જળાભિષેક, રહસ્ય જાળવી રાખ્યું વિજ્ઞાન

ઝરિયા મહાદેવ: ગુફામાં સ્વયંભૂ શિવલિંગ પર અવિરત જળાભિષેક, રહસ્ય જાળવી રાખ્યું વિજ્ઞાન

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસે આવેલું ઝરિયા મહાદેવનું શિવાલય આસ્થા અને પ્રકૃતિનું અનોખું સ્થળ છે. માંડલ વન વિસ્તારમાં આવેલી એક ગુફામાં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે, જેના પર દિવસ-રાત પાણી ટપકતું રહે છે. આમ, કુદરતી રીતે જ શિવલિંગનો અભિષેક થતો રહે છે.

આ પાણી ક્યાંથી અને કેવી રીતે આવે છે તે અંગે વિજ્ઞાન પણ હજુ સુધી સ્પષ્ટતા કરી શક્યું નથી. તેથી જ આ મંદિરનું રહસ્ય આજે પણ લોકોના મનમાં કુતૂહલ જગાડે છે. ગુફામાં પ્રવેશતાં જ બરફ જેવી ઠંડક અનુભવાય છે, અને ઉનાળામાં પણ આવી જ ઠંડી રહે છે.

પૌરાણિક માન્યતા અનુસાર, પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં વસવાટ કર્યો હતો અને આ શિવલિંગની પૂજા કરી હતી. આથી આ સ્થળ મહાભારતકાળથી જોડાયેલું હોવાની લોકવાયકા છે.

શ્રાવણ માસમાં અહીં મેળો ભરાય છે, ખાસ કરીને શ્રાવણી સોમવારે દૂર-દૂરથી ભક્તો દર્શન માટે આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ પણ આ સ્થળની શાંતિ અને લીલોતરીનો આનંદ માણવા આવે છે. ગુફામાંથી ટપકતું પાણી એક કુંડમાં એકઠું થાય છે, જેને ભાવિકો પ્રસાદ તરીકે પીવે છે.

આ શિવાલયની સામે એક બીજી ગુફા છે, જેમાં મહાકાળી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આખું વર્ષ શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવતા હોય છે. ચોટીલા તાલુકાના પ્રાચીન ધાર્મિક સ્થળોમાં ઝરિયા મહાદેવ મંદિરનું મહત્વનું સ્થાન છે.