ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 સીઝન પહેલાં મોટો નિર્ણય લીધો છે. ટીમે ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાનને તેનો નવો મુખ્ય કોચ નિયુક્ત કર્યો છે. ઝહીરે સ્ટીફન ફ્લેમિંગનું સ્થાન લીધું છે, જેમણે 2009થી 2026 સુધી CSKના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી અને IPL 2026 પછી પદ છોડ્યું હતું.
CSKએ સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026ના રોજ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. પોસ્ટમાં લખ્યું, “હવે ડાબોડી બોલરનો વારો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ તરીકે ઝહીર ખાનનું સ્વાગત છે.” આ જાહેરાત એટલે ચોંકાવનારી હતી કે ઝહીરનું નામ અગાઉ ચર્ચામાં ન હતું. કેટલાક અહેવાલોમાં ઈયોન મોર્ગન અને એક ઓસ્ટ્રેલિયન ખેલાડીના નામ પર ચર્ચા ચાલી રહી હતી.
ઝહીર ખાન પાસે ટીમ મેનેજમેન્ટ અને મેન્ટરશિપનો અનુભવ છે. ગઈ સીઝનમાં તેઓ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે મેન્ટર તરીકે જોડાયા હતા, પરંતુ એક સીઝન પછી ફ્રેન્ચાઇઝી છોડી દીધી. તેમણે મુંબઈ ઇન્ડિયન્સ સાથે ક્રિકેટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. આ અનુભવ CSK માટે ઉપયોગી થશે કે નહીં, તે આગામી સીઝનમાં જાણવા મળશે.
ઝહીર અને MS ધોની લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયા માટે સાથે રમ્યા છે. ધોનીએ એક વખત ઝહીરને પોતાની ટીમનો બોલિંગ કેપ્ટન ગણાવ્યો હતો. 2011ના વર્લ્ડ કપમાં ધોનીની કેપ્ટનશીપમાં ઝહીરે સૌથી વધુ વિકેટ લીધી હતી અને ટીમ ઇન્ડિયાને ખિતાબ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે લગભગ એક દાયકા પછી બંને ફરી એકસાથે જોડાયા છે. કોચ તરીકે ઝહીર ધોની અને ચેન્નાઈને સફળતા અપાવી શકશે કે નહીં, તે આગામી સીઝનનો મહત્ત્વનો પ્રશ્ન રહેશે.