સત્ય. સાહસ. સંકલ્પ.

IPL 2027 પહેલા CSK નું મોટું પગલું: ઝહીર ખાન બન્યા હેડ કોચ

IPL 2027 પહેલા CSK નું મોટું પગલું: ઝહીર ખાન બન્યા હેડ કોચ

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ આઈપીએલ 2027 પહેલાં પોતાના હેડ કોચમાં ફેરફાર કર્યો છે. લાંબા સમયથી ટીમ સાથે જોડાયેલા સ્ટીફન ફ્લેમિંગના સ્થાને ભારતના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાનને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઝહીર ખાને 14 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે 92 ટેસ્ટ, 200 વનડે અને 17 ટી20 મેચ રમી છે. તેઓ 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. આઈપીએલમાં પણ તેમણે 100 મેચ રમી છે. નિવૃત્તિ બાદ તેઓ કોચિંગ અને યુવા ખેલાડીઓને તૈયાર કરવાના કામ સાથે જોડાયેલા રહ્યા છે.

CSKના માલિક રૂપા ગુરુનાથ અને મેનેજિંગ ડિરેક્ટર કે. એસ. વિશ્વનાથને ઝહીર ખાનનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે ઝહીર ખાન વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટિંગ દિમાગમાંથી એક છે અને તેમની રમતની સમજ તથા યુવા બોલરોને તૈયાર કરવાની ક્ષમતાથી ટીમ વધુ મજબૂત બનશે.

નવી જવાબદારી અંગે ઝહીર ખાને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંથી એક સાથે જોડાવું ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું કે પોતાની રમત દરમિયાન તેઓ ચેન્નઈ સામે સખત મુકાબલો કરતા હતા અને હવે ચેપોકના ચાહકોનો ઉત્સાહ નજીકથી અનુભવવા આતુર છે.

હવે ક્રિકેટ પ્રેમીઓની નજર એ વાત પર છે કે મેદાન પર એમ.એસ. ધોની અને ઝહીર ખાનની નવી જોડી શું કમાલ બતાવે છે. છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ આ મોટા ફેરફાર સાથે આઈપીએલ 2027માં નવા જોશ સાથે ઉતરવા તૈયાર દેખાઈ રહી છે.