સત્ય. સાહસ. સંકલ્પ.

યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, વ્હાઇટ બોલમાં ચાલુ રાખશે

યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, વ્હાઇટ બોલમાં ચાલુ રાખશે

ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 36 વર્ષીય ચહલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ નિર્ણયની જાણ કરી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વ્હાઇટ બોલ ક્રિકેટ, એટલે કે વનડે અને T20, રમવાનું ચાલુ રાખશે.

ચહલે તેમની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ લોર્ડ્સમાં નોર્થમ્પટનશાયર માટે રમી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, રેડ બોલ ક્રિકેટ સાથેની તેમની સફર પૂરી થઈ છે, પરંતુ તેઓ વનડે અને T20માંથી નિવૃત્તિ લઈ રહ્યા નથી. દેશ માટે રમવાની તેમની ઈચ્છા હજુ પણ એટલી જ પ્રબળ છે અને આ બંને ફોર્મેટમાં ભારતીય ટીમમાં વાપસી કરવા માટે તેઓ પૂરો પ્રયાસ કરશે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ચહલનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. તેમણે 49 મેચની 79 ઈનિંગ્સમાં કુલ 148 વિકેટ ઝડપી છે. તેમણે 9,154 બોલમાં 4,777 રન આપ્યા હતા. આ દરમિયાન તેમની બોલિંગ એવરેજ 32.27, ઈકોનોમી 3.13 અને સ્ટ્રાઈક રેટ 61.8 રહ્યો હતો. ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 6 વખત પાંચ વિકેટ અને 8 વખત ચાર વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી છે. તેમનું એક ઈનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 44 રનમાં 6 વિકેટ અને એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 99 રનમાં 9 વિકેટનું રહ્યું છે.

ચહલે તેમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે, ‘મેં પહેલી વખત રેડ બોલ મારા હાથમાં પકડ્યો ત્યારે હું દસ વર્ષનો હતો અને મને બિલકુલ અંદાજો નહોતો કે મને ક્રિકેટ સાથે આટલો ગાઢ પ્રેમ થઈ જશે. મારા માટે રેડ બોલ ક્રિકેટ ક્યારેય માત્ર ફોર્મેટ નથી રહ્યું. ત્યાં જ મેં ધીરજ, ચરિત્ર, સંઘર્ષ કરવાની ક્ષમતા અને કેટલાય કલાકો સુધી મેદાનમાં રહીને રન અને દરેક વિકેટ માટે લડવાની સાચી ખુશી સમજી છે. મેં મારી છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ લોર્ડ્સમાં રમી. આ શબ્દો લખવા મારા માટે ભાવુક છે, કારણ કે ટેસ્ટ કેપ પહેરવી હંમેશા મારા માટે એક સપનું હતું. આ એક એવું સપનું હતું જે મેં કેટલાય વર્ષો સુધી સાથે રાખ્યું. આ સપનું કદાચ ક્યારેય પૂરું થઈ શક્યું નહીં, પરંતુ મારા અત્યાર સુધીના સફરમાં હું સાચે જ સંતુષ્ટ છું અને આ ફોર્મેટમાં મને મળેલી તમામ તક માટે ખૂબ જ આભારી છું. રેડ બોલે મને મારી જિંદગીની કેટલીક સૌથી સુંદર યાદો આપી છે અને તે મારી પાસેથી કોઈ છીનવી શકશે નહીં. મારા દેશ માટે રમવાની મારી ભૂખ હજુ જીવંત છે. મને વિશ્વાસ છે કે મારી અંદર હજુ ક્રિકેટ બાકી છે અને વનડે અને T20 ફોર્મેટમાં એક તક મેળવવા માટે હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ.’