સત્ય. સાહસ. સંકલ્પ.

છૂટાછેડા બાદ દારૂની લતમાં વધારો, 26 દિવસ રિહેબમાં રહ્યો: યુઝવેન્દ્ર ચહલનો ખુલાસો

છૂટાછેડા બાદ દારૂની લતમાં વધારો, 26 દિવસ રિહેબમાં રહ્યો: યુઝવેન્દ્ર ચહલનો ખુલાસો

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે તેની અંગત જીવનની મુશ્કેલીઓ, દારૂની લત અને પેનિક એટેક વિશે જાહેરમાં વાત કરી છે. તેણે આકાશ ચોપરાના પોડકાસ્ટમાં જણાવ્યું કે ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા બાદ તેની દારૂની લત હદથી વધારે વધી ગઈ હતી અને તેણે 26 દિવસ રિહેબ સેન્ટરમાં વિતાવ્યા હતા.

36 વર્ષીય ચહલે કહ્યું કે પેનિક એટેક દરમિયાન તેનો ચહેરો સંકોચાઈને વાંકોચૂકો થઈ જતો હતો અને બોલવામાં પણ તકલીફ પડતી હતી. તેમણે ઉમેર્યું, 'એન્ઝાયટીમાં હૃદયના ધબકારા ઝડપી થઈ જાય છે અને મારો ચહેરો સંકોચાઈ જતો હતો. હું બોલી પણ શકતો નહોતો. મારા હોઠ કસાઈને એક તરફ ખેંચાઈ જતા હતા.'

ચહલે જણાવ્યું કે લોકોને સમજાઈ જતું હતું કે તેની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. તેને ડર હતો કે સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારની વાતો કરશે. તેથી તેણે IPL પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું.

દારૂ પીવાની શરૂઆત અંગે ચહલે કહ્યું, 'શરૂઆતમાં હું યુવાન હતો. પાર્ટીઓ થતી હતી. મેં 2011માં મારી પહેલી IPL રમી હતી.' તેમણે યાદ કર્યું કે એબી ડિવિલિયર્સે એક વખત તેને કહ્યું હતું, 'જીવનમાં સંતુલન જરૂરી છે.' ચહલે કહ્યું કે આ વાત સાંભળવામાં સરળ છે, પરંતુ તેને જીવનમાં ઉતારવી સરળ નથી.

છૂટાછેડા પછીની સ્થિતિ વિશે ચહલે કહ્યું, 'છૂટાછેડા પછી વસ્તુઓ હદથી વધારે વધી ગઈ હતી. મારી માનસિક સ્થિતિ ઠીક નહોતી. મને અહેસાસ થયો કે જો હું આ જ રસ્તા પર ચાલતો રહ્યો, તો જે વસ્તુને હું સૌથી વધુ પ્રેમ કરું છું, તે ક્રિકેટને બરબાદ કરી દઈશ.'

મુશ્કેલ સમયમાં મિત્રો અને પરિવારનો સાથ વિશે પૂછવામાં આવતાં ચહલે કહ્યું કે આવા સમયે લાગેલી ભાવનાત્મક ઈજા વ્યાવસાયિક જીવનના સંકટથી અલગ હોય છે. તેમણે જણાવ્યું, 'મારા સૌથી સારા મિત્રો અને પરિવાર મારી સાથે હતા.'

દારૂ છોડવા અંગે ચહલે કહ્યું, 'ગયા વર્ષે કાઉન્ટી ક્રિકેટ બાદ મેં દારૂ છોડવાનો નિર્ણય લીધો. વાત હદથી વધુ વધી ગઈ હતી. મેં રિહેબ સેન્ટરમાં એડમિશન લીધું અને 26 દિવસ ત્યાં રહ્યો. હવે મને ખબર છે કે તેને કેવી રીતે સંભાળવું.'

આ નિર્ણયથી તેના અંગત જીવનમાં મોટો ફેરફાર આવ્યો. તેની સમજણ વધી અને ભાવનાઓ સંતુલિત થઈ. તેમણે કહ્યું, 'છેલ્લી IPLમાં મારું શરીર ફરીથી 30 વર્ષનું લાગતું હતું. હું જિમ કરી રહ્યો હતો, ફિલ્ડિંગ ડ્રિલ કરી રહ્યો હતો અને યોગ્ય રીતે ટ્રેનિંગ લઈ રહ્યો હતો.'

ચહલે 18 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સ સાથે જોડાઈને પોતાને સાબિત કર્યો. તેમણે કહ્યું, 'પંજાબ કિંગ્સ સાથેના મારા પ્રથમ વર્ષમાં ટીમે મારા માટે 18 કરોડ રૂપિયા ખર્ચ્યા. મને લાગ્યું કે તેમણે મારા પર આટલા પૈસા સાથે વિશ્વાસ મૂક્યો છે, તેથી હું તેમને નિરાશ કરી શકતો નથી.' તેમણે KKR સામેની મેચનો ઉલ્લેખ કર્યો, જ્યાં 111 રનના ટાર્ગેટને ડિફેન્ડ કરતી વખતે તેને લાગ્યું કે તેણે આગળ વધીને જવાબદારી નિભાવવી પડશે.

ચહલને 2025ની સીઝન પહેલાં પસંદ કરવામાં આવ્યો હતો. IPL 2025માં તેણે 16 વિકેટ લીધી, જ્યારે 2026માં 12 વિકેટ લીધી. તેણે 15 દિવસ પહેલાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ચહલ 3 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને તેણે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ઑગસ્ટ 2023માં રમી હતી.