સત્ય. સાહસ. સંકલ્પ.

19 સપ્ટેમ્બર 2007: યુવરાજ સિંહે એક ઓવરમાં ફટકાર્યા 6 છગ્ગા, ફ્લિન્ટોફની ધમકીથી આવ્યો હતો ગુસ્સો

19 સપ્ટેમ્બર 2007: યુવરાજ સિંહે એક ઓવરમાં ફટકાર્યા 6 છગ્ગા, ફ્લિન્ટોફની ધમકીથી આવ્યો હતો ગુસ્સો

ક્રિકેટમાં એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકારવા એ દુર્લભ ઘટના છે. આવું પહેલીવાર દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સે એક વનડે મેચમાં કર્યું હતું. પરંતુ 2007ના T20 વિશ્વ કપમાં યુવરાજ સિંહે ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં જે કર્યું, તે આજે પણ સૌથી વધુ ચર્ચાય છે. કારણ કે તેમાં મેદાન પરની ઉગ્ર દલીલ અને ગળું કાપવાની ધમકી પણ સામેલ હતી.

19 સપ્ટેમ્બર 2007ની એ સાંજે દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા T20 વિશ્વ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સુપર-8 મેચ રમાઈ રહી હતી. ભારતીય ઇનિંગ્સની 18મી ઓવર એન્ડ્રુ ફ્લિન્ટોફ ફેંકી રહ્યો હતો. ઓવરના પહેલા ત્રણ બોલમાં માત્ર ત્રણ રન આપ્યા બાદ યુવરાજે છેલ્લા ત્રણમાંથી બે બોલ પર ફ્લિન્ટોફને સતત બે ચોગ્ગા માર્યા. આથી ચિડાયેલા ફ્લિન્ટોફે યુવરાજને અપશબ્દો કહેવા લાગ્યો.

બંને વચ્ચેની દલીલની વીડિયો ક્લિપ આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તેમાં યુવરાજ બેટ બતાવતાં ફ્લિન્ટોફ તરફ આગળ વધતો દેખાય છે. પરંતુ મામલો બગડે તે પહેલાં અમ્પાયરોએ વચ્ચે પડીને વિવાદ શાંત કરાવ્યો. ત્યારબાદ ફ્લિન્ટોફે હદ વટાવીને યુવરાજને ગળું કાપવાની ધમકી આપી હતી.

આ ઘટનાથી યુવરાજનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો. 19મી ઓવરમાં જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ બોલિંગ કરવા આવ્યો, ત્યારે યુવરાજે પહેલાથી છઠ્ઠા બોલ સુધી દરેક બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી દીધો. ફ્લિન્ટોફ, બ્રોડ અને પોલ કોલિંગવુડ સહિત ઇંગ્લેન્ડના ખેલાડીઓ ફક્ત બોલ સીમારેખા બહાર જતો જોઈ રહ્યા.

આ છ છગ્ગાની મદદથી યુવરાજે માત્ર 12 બોલમાં અડધી સદી પૂરી કરી. આ આજે પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ પણ પૂર્ણ સભ્ય દેશના બેટ્સમેન દ્વારા ફટકારાયેલી સૌથી ઝડપી ફિફ્ટી છે.

મેચ દરમિયાન યુવરાજ અને ફ્લિન્ટોફ વચ્ચેનો તણાવ એટલો હતો કે એવું લાગતું હતું કે મેચ પૂરી થાય એટલે બંને એકબીજા સાથે હાથાવાળા કરશે. પરંતુ ભારતે 18 રનથી જીત મેળવ્યા બાદ બંને ખેલાડીઓએ ખેલદિલી દાખવીને હાથ મિલાવ્યા હતા.

યાદ રહે કે યુવરાજ પહેલા હર્ષલ ગિબ્સે પણ એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. છતાં યુવરાજની આ ઇનિંગ્સ વધુ યાદગાર બની, કારણ કે તેની પાછળ મેદાન પર થયેલી ઉગ્ર દલીલ અને બદલાની ભાવના હતી.