સત્ય. સાહસ. સંકલ્પ.

યુવરાજ સિંહની ભલામણ: અભિષેક, ઈશાન અને વૈભવને વન-ડે ટીમમાં સ્થાન મળવું જોઈએ

યુવરાજ સિંહની ભલામણ: અભિષેક, ઈશાન અને વૈભવને વન-ડે ટીમમાં સ્થાન મળવું જોઈએ

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે અભિષેક શર્મા, ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશીને ભારતની વન-ડે ટીમમાં સામેલ કરવાની ભલામણ કરી છે. તેમનું કહેવું છે કે આ ખેલાડીઓને 50 ઓવરના ક્રિકેટમાં તક ન આપવી તેમની પ્રતિભા સાથે અન્યાય છે.

યુવરાજે કહ્યું કે જે રીતે આ ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે, તેમને ટૂંક સમયમાં ટીમમાં સ્થાન મળવું જોઈએ. જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓની હાજરીમાં ટોપ ઓર્ડરમાં જગ્યા બનાવવી સરળ નથી.

અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી T20 મેચમાં રેકોર્ડ ભાગીદારી કરી હતી. બંનેએ પાવરપ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 118 રન બનાવ્યા, જે T20 ઇન્ટરનેશનલના પાવરપ્લેમાં કોઈપણ ટીમનો સૌથી મોટો સ્કોર છે.

અભિષેકે આ મેચમાં 35 બોલમાં સદી ફટકારી હતી. તેની શાનદાર ઇનિંગ્સને કારણે ભારતે 5 મેચની T20 સિરીઝ જીતી હતી. ત્રીજી T20માં અભિષેકે 38 બોલમાં 113 રન અને વૈભવે 19 બોલમાં 45 રન બનાવ્યા હતા.

ઈશાન કિશન ભારત માટે 32 વન-ડે મેચ રમી ચૂક્યો છે, જ્યારે અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ આ ફોર્મેટમાં હજુ ડેબ્યૂ કરવાનું બાકી છે. વૈભવે આ જ વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું અને તે ભારત માટે આ ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ચાલુ છે. T20 સિરીઝની છેલ્લી મેચ રવિવારે હેમિલ્ટનમાં રમાશે. ત્યાર બાદ 4 નવેમ્બરથી બંને ટીમ વચ્ચે 5 મેચની વન-ડે સિરીઝ શરૂ થશે. પ્રવાસ દરમિયાન ત્યાર બાદ 2 ટેસ્ટ મેચ પણ રમાશે.

શુક્રવારે ઑકલેન્ડમાં રમાયેલી ચોથી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 87 રનથી હરાવ્યું હતું. 260 રનના ટાર્ગેટને ચેઝ કરતાં ભારતીય ટીમ 172 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. સિરીઝમાં ભારતની આ પ્રથમ હાર હતી.