પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે IPL ટીમ દિલ્હી કેપિટલ્સ સાથે આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ તરીકે જોડાવાની જાહેરાત કરી છે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે X પર આ જાહેરાત કરી હતી. આ પહેલીવાર છે જ્યારે યુવરાજ કોઈ ટીમને કોચિંગ આપશે. ટીમના હેડ કોચ સૌરવ ગાંગુલી છે.
યુવરાજ સિંહ 2015માં દિલ્હી ડેરડેવિલ્સ માટે રમ્યા હતા. તે સમયે ફ્રેન્ચાઇઝીએ તેમને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, જે IPL ઇતિહાસમાં ખેલાડી માટેની સૌથી મોટી બોલી હતી.
નવી જવાબદારી વિશે યુવરાજે કહ્યું કે સૌરવ ગાંગુલી સાથે ખેલાડી તરીકે નહીં, પરંતુ કોચ તરીકે કામ કરવું તેમના માટે ખાસ અનુભવ રહેશે. તેમણે ઉમેર્યું કે કોચિંગને લઈને તેઓ ખૂબ ઉત્સાહિત છે અને પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે કામ શરૂ કરવા માટે ઉત્સુક છે.
44 વર્ષીય યુવરાજ સિંહે ભારત માટે 304 વન-ડે, 40 ટેસ્ટ અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેઓ 2007ના ICC T20 વર્લ્ડ કપ અને 2011ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતની જીતના મુખ્ય ખેલાડીઓમાં સામેલ હતા. IPLમાં તેમણે 132 મેચ રમી છે, જેમાં 2,750 રન બનાવ્યા અને 36 વિકેટ લીધી. તેમની ઓળખ આક્રમક બેટિંગ, મોટી મેચમાં પ્રદર્શન અને ઓલરાઉન્ડ ક્ષમતા માટે રહી છે.
2015માં દિલ્હી ડેરડેવિલ્સે યુવરાજને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તે સીઝનમાં તેમણે ફ્રેન્ચાઇઝી માટે તમામ 14 મેચ રમી હતી. હવે આશરે 11 વર્ષ બાદ તેઓ એ જ ફ્રેન્ચાઇઝીમાં નવી ભૂમિકા સાથે પરત ફરશે.