વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા યુસુફ પઠાણના નિવાસસ્થાન પાસેના TP-22ના ફાઇનલ પ્લોટ નં. 90ની 978 ચોરસ મીટર જમીન તેમને ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ જમીનની બજાર કિંમત અંદાજે ₹20.53 કરોડ છે, જ્યારે તેમને આ પ્લોટ માત્ર ₹5 કરોડમાં આપવાનો નિર્ણય લેવાયો છે.
આ મામલો 14 વર્ષથી ચાલી રહ્યો છે અને હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 2007ની T-20 વર્લ્ડ કપ અને 2011ની વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વિજેતા બની ત્યારે યુસુફ પઠાણ ટીમના સભ્ય હતા. તે પછી 2012માં તેમણે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને પોતાના બંગલાની બાજુમાં આવેલા 978 ચોરસ મીટરના પ્લોટની ફાળવણીની માંગ કરી હતી. જોકે, 2014માં રાજ્ય સરકારે જાહેર હરાજી વગર પ્લોટ ફાળવવાની વડોદરા મહાનગરપાલિકાની દરખાસ્તને મંજૂરી આપી ન હતી.
જૂન 2026માં યુસુફ પઠાણે તૃણમૂલ કોંગ્રેસનો સાથ છોડીને NDAને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો હતો. 12 ઓગસ્ટે રાજ્ય કેબિનેટે જમીન ફાળવણીની મંજૂરી આપી અને 13 ઓગસ્ટ, 2026ના રોજ શહેરી વિકાસ મંત્રાલયે ઠરાવ કર્યો. ઠરાવમાં જણાવાયું છે કે, યુસુફ પઠાણે 2007 અને 2011માં વર્લ્ડ કપ રમીને દેશને જીત અપાવી હતી, તેથી તેમને આ જમીન ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આમ, વર્લ્ડ કપની જીતના 15 વર્ષ પછી રાજ્ય સરકારે આ ભેટ આપી છે. ત્યાર બાદ 31 ઓગસ્ટે યુસુફ પઠાણે માફી માંગીને હાઈકોર્ટમાંથી અરજી પણ પરત ખેંચી લીધી હતી.
આ સમગ્ર વિવાદ અંગે દિવ્ય ભાસ્કરે ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવાર, એડવોકેટ શૈલેષ અમીન, કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દાશી અને નિશાંત રાવલ સાથે વાતચીત કરી હતી.
યુસુફ પઠાણ દ્વારા સરકારી પ્લોટ પર દબાણ કરવાની ફરિયાદ ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કરી હતી. તેમણે જણાવ્યું કે, 2024માં મેં રિઝર્વ પ્લોટ પરના દબાણ અંગે ફરિયાદ કરી હતી અને મુખ્યમંત્રી તથા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. જૂન 2012ની સ્થાયી સમિતિની બેઠકમાં યુસુફ પઠાણને પ્લોટ આપવાનું નક્કી થયું હતું, પરંતુ આ રિઝર્વ પ્લોટ હોવાથી રાજ્ય સરકારની મંજૂરી જરૂરી હતી. મ્યુનિસિપલ કમિશનરે રાજ્ય સરકારને પત્ર લખીને મંજૂરી માંગી હતી, જોકે જૂન 2014માં રાજ્ય સરકારે દરખાસ્ત રદ કરી હતી. ત્યાર પછી પણ દબાણ ચાલુ રહેતાં વડોદરા મહાનગરપાલિકાએ 2024માં નોટિસ પાઠવી હતી. આ મામલે યુસુફ પઠાણ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાં કોર્ટે તેમને તાત્કાલિક દબાણ દૂર કરવા અને સ્વેચ્છાએ ભાડું ચૂકવવા જણાવ્યું હતું.
હવે રાજ્ય સરકારે 978 ચોરસ મીટરના પ્લોટમાંથી 500 ચોરસ મીટર પ્લોટ બક્ષિસ તરીકે આપવાનો અને બાકીનો પ્લોટ નક્કી કરેલી રકમ લઈને આપવાનો નિર્ણય લીધો છે. વિજય પવારે કહ્યું કે, રાજ્ય સરકારનો નિર્ણય શિરોમાન્ય છે, પરંતુ 10 વર્ષ સુધી આ રિઝર્વ પ્લોટ પર દબાણ ચાલુ રહેવા દેવું એ તે સમયના મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓની બેદરકારી છે.
એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું કે, રાજ્ય સરકારે આ અંગેનો પરિપત્ર કરીને મહાનગરપાલિકાને મોકલ્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ છે કે આ દરખાસ્ત પૂર્વ દૃષ્ટાંત તરીકે લઈ શકાશે નહીં. એટલે કે ભવિષ્યમાં આ કિસ્સાને ટાંકીને આવા નિર્ણય લઈ શકાશે નહીં, જેનો સીધો અર્થ એ થાય છે કે માત્ર યુસુફ પઠાણને ફાયદો કરાવવા જ આ નિર્ણય લેવાયો છે અને સમાનતાના નિયમનો ભંગ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, જો સરકારે પ્લોટ આપવો જ હતો તો જ્યારે તેઓ ક્રિકેટ રમતા હતા અને માંગણી કરી હતી ત્યારે કેમ ન આપ્યો? 2014માં આ નિર્ણય નામંજૂર કેમ કરાયો હતો?
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસે જણાવ્યું કે, હાલમાં સરકારે પરિપત્ર કર્યો છે અને તેના આધારે મહાનગરપાલિકા કાર્યવાહી કરી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં જમીન ફાળવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.