વડોદરા મહાનગરપાલિકાએ પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને તેમના તાંદલજા નિવાસસ્થાન પાસેના પાલિકાના વિવાદાસ્પદ પ્લોટમાંથી 500 ચોરસ મીટર જમીન ભેટ સ્વરૂપે આપવાની નવી દરખાસ્ત રજૂ કરી છે. આ દરખાસ્ત 14 વર્ષ પછી ફરી ચર્ચામાં આવી છે.
મહાનગરપાલિકા કમિશનર અરુણ બાબુ તરફથી રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ, તાંદલજા ટીપી-22ના ફાઇનલ પ્લોટ નંબર 90માં કુલ 978 ચોરસ મીટર જમીન છે. આ પ્લોટની કિંમત 2.10 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટર લેખે 20.53 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
દરખાસ્ત અનુસાર, 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને ભેટ સ્વરૂપે આપવામાં આવશે, જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન તેના હાલના વેલ્યુએશનના 55 ટકા રકમ વસૂલીને ફાળવવામાં આવશે. આ દરખાસ્તને આખરી મંજૂરી માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષા વ્યાસે જણાવ્યું કે યુસુફ પઠાણે દેશ માટે ક્રિકેટ રમ્યા છે, તેથી સરકારે તેમને ભેટ આપી છે. આ મામલે હજુ અંતિમ નિર્ણય થવાનો બાકી છે.