વડોદરા મહાનગરપાલિકાએ પૂર્વ ક્રિકેટર અને બહેરામપુરના સાંસદ યુસુફ પઠાણને તાંદલજા ખાતેનો પાલિકાનો પ્લોટ ફાળવવા માટે નવી દરખાસ્ત તૈયાર કરી છે. આ દરખાસ્ત મુજબ 978 ચોરસ મીટરના પ્લોટમાંથી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને ભેટ સ્વરૂપે આપવામાં આવશે, જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન તેના વર્તમાન મૂલ્યના 55 ટકા ભાવે ફાળવવામાં આવશે. આ દરખાસ્તને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આખરી મંજૂરી માટે મૂકવામાં આવી છે.
પ્લોટનો વર્તમાન બજાર ભાવ પ્રતિ ચોરસ મીટર 2.10 લાખ રૂપિયા છે. નવી દરખાસ્ત અનુસાર, 500 ચોરસ મીટર જમીન મફતમાં મળશે, જેની કિંમત અંદાજે 10.50 કરોડ રૂપિયા થાય છે. બાકીની 478 ચોરસ મીટર જમીન પ્રતિ ચોરસ મીટર 1,15,500 રૂપિયાના દરે આપવામાં આવશે, જેમાં પ્રતિ ચોરસ મીટર 94,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આમ, યુસુફ પઠાણને કુલ 15 કરોડ રૂપિયાનો લાભ થશે.
આ પ્લોટ ફાળવણીનો વિવાદ વર્ષ 2012થી ચાલી રહ્યો છે. યુસુફ પઠાણે 2012માં પોતાના બંગલાની બાજુમાં આવેલા આ પ્લોટની ફાળવણી માટે મનપા સમક્ષ માંગણી કરી હતી. તે સમયે કોર્પોરેશનની સામાન્ય સભાએ પ્લોટ ફાળવવા સકારાત્મક વલણ દાખવ્યું હતું. પરંતુ 2014માં રાજ્ય સરકારે કાયદાકીય અને નીતિવિષયક કારણોસર આ દરખાસ્ત નામંજૂર કરી દીધી હતી. તેમ છતાં પ્લોટ પર યુસુફ પઠાણનો કબજો હતો અને તેની આસપાસ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા.
વર્ષ 2024માં આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે પ્લોટ ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો, જેને યુસુફ પઠાણે પડકાર્યો હતો. 21 ઓગસ્ટ, 2025ના રોજ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2026માં તેમણે ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. જૂન 2026માં તેમણે અપીલ પાછી ખેંચી લીધી હતી. આ દરમિયાન જૂન 2026માં યુસુફ પઠાણે તૃણમૂલ કોંગ્રેસ છોડીને NCPIમાં જોડાઈને NDAને બહારથી સમર્થન આપ્યું હતું. રાજકીય વિશ્લેષકોના મતે આ નિર્ણય પછી પ્લોટ ફાળવણીની દરખાસ્ત ઝડપી થઈ છે.