સત્ય. સાહસ. સંકલ્પ.

11 વર્ષના યુકી કુરિહારાએ એશિયન ગેમ્સમાં ઈ-સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, બન્યો સૌથી યુવા ચેમ્પિયન

11 વર્ષના યુકી કુરિહારાએ એશિયન ગેમ્સમાં ઈ-સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, બન્યો સૌથી યુવા ચેમ્પિયન

જાપાનના 11 વર્ષીય યુકી કુરિહારાએ એશિયન ગેમ્સમાં ઈ-સ્પોર્ટ્સની 'પુયો પુયો ચેમ્પિયન્સ' ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. તેણે ફાઇનલમાં દક્ષિણ કોરિયાના 25 વર્ષીય કાંગ ડોંગશીનને 10-2થી હરાવ્યો. આ સાથે યુકી એશિયન ગેમ્સનો સૌથી યુવા ગોલ્ડ મેડાલિસ્ટ બન્યો છે.

યુકીએ સેમિફાઇનલમાં થાઇલેન્ડના 28 વર્ષીય ખેલાડી તનારાક વોંગકિટિકુનને 10-1થી હરાવ્યો હતો. તે યુકી કરતાં અઢી ગણો મોટો હોવા છતાં યુકીની ઝડપ અને ગેમિંગ કૌશલ્ય સામે ટકી શક્યો નહીં.

ગોલ્ડ મેડલ જીત્યા બાદ યુકીએ નિર્દોષતાથી કહ્યું, 'આ મેડલ ખૂબ સુંદર, ચમકદાર અને ભારે છે.' તેને મેડલ સાથે મળેલી સોનેરી રંગની રમકડાની ઢીંગલી પણ ખૂબ ગમી. આ સફળતા રાતોરાત મળી નથી. યુકી કિન્ડરગાર્ટનથી આ ગેમ રમે છે અને જાપાની મીડિયાના અહેવાલ મુજબ, શાળાના અભ્યાસ સાથે દરરોજ 8 કલાક પ્રેક્ટિસ કરે છે.

એશિયન ગેમ્સની શરૂઆત 1951માં નવી દિલ્હીથી થઈ હતી. સૌથી યુવા મેડલ વિજેતાનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી, પરંતુ યુકીને એશિયન ગેમ્સના ઇતિહાસનો સૌથી નાની ઉંમરનો ગોલ્ડ મેડાલિસ્ટ માનવામાં આવે છે. ઈ-સ્પોર્ટ્સને 3 વર્ષ પહેલાં હાંગઝોઉની એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યું હતું.

આ ગેમ્સમાં અન્ય યુવા ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. હોંગકોંગની 12 વર્ષીય કામુસ વોંગ સ્કેટબોર્ડિંગમાં ભાગ લઈ રહી છે, જ્યારે ચીનની 13 વર્ષીય યુ ઝીદીએ સ્વિમિંગમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. જાપાનની 17 વર્ષીય તરણવીર શિન ઓહાશીએ 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, તેને આ વય જૂથમાં 'સિનિયર' ગણવામાં આવે છે.

ભૂતકાળમાં પણ આવા દાખલા છે. 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં ઇન્ડોનેશિયાની બુંગા ન્યામાસે 12 વર્ષની ઉંમરે મહિલા સ્કેટબોર્ડિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે ચીનની કુઇ ચેન્ક્સીએ 13 વર્ષની ઉંમરે હાંગઝોઉમાં મહિલા સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉદાહરણો દર્શાવે છે કે ટેલેન્ટ અને સખત મહેનત હોય તો ઉંમર માત્ર એક આંકડો બની રહે છે.