સત્ય. સાહસ. સંકલ્પ.

યુટ્યુબ જાહેરાતમાં ફસાયા બોડકદેવના વેપારી: કલાકોમાં 10.23 લાખ રૂપિયા ગુમાવ્યા

યુટ્યુબ જાહેરાતમાં ફસાયા બોડકદેવના વેપારી: કલાકોમાં 10.23 લાખ રૂપિયા ગુમાવ્યા

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા અને થલતેજમાં એક્સપોર્ટનો વ્યવસાય કરતા 54 વર્ષીય વેપારી જીગ્નેશભાઈ જસભાઈ પટેલ સાથે યુટ્યુબ પરની એક જાહેરાત દ્વારા સાયબર ઠગાઈ થઈ છે. ઠગોએ બેંક અધિકારી હોવાનું ખોટું બતાવીને વોટ્સએપ વિડિયો કોલ પર ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી લીધી અને થોડાક જ કલાકોમાં તેમના ખાતામાંથી કુલ રૂ. 10,23,782 ઉપાડી લીધા. આ મામલે વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જીગ્નેશભાઈ છેલ્લા બે વર્ષથી અમેરિકન એક્સપ્રેસ (AMEX)નું પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ વાપરે છે. ગત 4 સપ્ટેમ્બરની સવારે તેઓ યુટ્યુબ પર વિડિયો જોતા હતા ત્યારે સ્ક્રીન પર HSBC બેંકના ક્રેડિટ કાર્ડની જાહેરાત આવી. તે જાહેરાત પર ક્લિક કરતાં જ થોડી વારમાં તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતે HSBC બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી બોલતો હોવાનું જણાવ્યું અને કહ્યું કે AMEX કાર્ડધારકો માટે બેંક તરફથી ખાસ પ્રીમિયમ ક્રેડિટ કાર્ડની ઓફર ચાલી રહી છે.

આ પ્રીમિયમ કાર્ડ મેળવવાની પ્રક્રિયા પૂરી કરવાના બહાને ઠગે જીગ્નેશભાઈને વોટ્સએપ વિડિયો કોલ કરવા માટે ફોસલાવ્યા. વિડિયો કોલ દરમિયાન ઠગની સૂચના મુજબ તેમણે પોતાનું AMEX ક્રેડિટ કાર્ડ આગળ અને પાછળથી કેમેરા સામે બતાવ્યું. ઠગે આ જ કોલમાં કાર્ડની બધી ગુપ્ત માહિતી નોંધી લીધી અને થોડી જ મિનિટોમાં કાર્ડનો પાસવર્ડ બદલી નાખ્યો, જેથી કાર્ડ પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ થઈ ગયું. તે જ દિવસે રાત સુધીમાં ઠગોએ વિવિધ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 10,23,782 ઉપાડી લીધા.

રાત્રે 8 વાગ્યે AMEX કંપની તરફથી શંકાસ્પદ વ્યવહાર અંગે ફોન આવતાં અને ઈમેલ તપાસતાં આખું કૌભાંડ સામે આવ્યું. જીગ્નેશભાઈએ તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કર્યો અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આઈટી કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને યુટ્યુબ પર આ ફ્રોડ જાહેરાત ચલાવનાર અને બેંક કર્મચારી હોવાનું કહીને ફોન કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે. બેંક ખાતાની વિગતો અને આઈપી એડ્રેસના આધારે ટેક્નિકલ તપાસ તેઓ કરી રહ્યા છે.