દિવાળી બાદ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી છે. ઝેરી ધુમ્મસની ચાદર છવાઈ જતાં પ્રદૂષણ અંગે દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે. આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફટાકડા ફોડવાના લોકોના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, જો તહેવારને કારણે થોડું પ્રદૂપણ વધ્યું હોય તો તે સમય જતાં આપમેળે શમી જશે, તેમાં ચિંતા કરવાની જરૂર નથી.
એક જાહેર કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે લોકોએ ઉત્સાહપૂર્વક ફટાકડા ફોડીને બિલકુલ યોગ્ય કર્યું છે. તેમણે કહ્યું, "તમે લોકોએ દિવાળી ઉજવી, પરંતુ ઘણા લોકોએ ફરિયાદ કરી કે તેનાથી પ્રદૂષણ ફેલાયું છે. મેં કહ્યું કે જો પ્રદૂષણ વધ્યું છે, તો તે સમય જતાં આપમેળે શમી પણ જશે, તો પછી ચિંતા શેની? દિવાળી પર ધામધૂમથી આતશબાજી કરવી એ કોઈ મોટી બાબત નથી અને વાતાવરણમાં ફેલાયેલું પ્રદૂષણ થોડા સમયમાં શાંત થઈ જશે."
મુખ્યમંત્રીએ તહેવારો દરમિયાન પર્યાવરણની ચિંતા કરનારા વર્ગ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે લોકોએ ભ્રષ્ટ આચરણથી આખી સિસ્ટમને પ્રદૂષિત કરી છે તેમને કોઈ સવાલ પૂછતું નથી. પરંતુ જો જનતા માત્ર એક દિવસ ફટાકડા ફોડીને ઉત્સવ મનાવે, તો તે પ્રદૂષણનો મોટો મુદ્દો બની જાય છે. તેમણે પૂછ્યું કે જ્યારે સામાન્ય જનતા ખુશીઓ મનાવતી હોય ત્યારે જ અમુક લોકોને પ્રદૂપણ કેમ યાદ આવી જાય છે?
મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમની સરકારે દિવાળી પર ફટાકડા પર કોઈ પ્રતિબંધ લાદ્યો નહોતો અને લોકોને મુક્તપણે ઉત્સવ ઉજવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું, "લોકોએ પૂરા ઉત્સાહથી દિવાળી ઉજવી અને પુષ્કળ ફટાકડા ફોડ્યા, તેમણે બિલકુલ યોગ્ય કામ કર્યું છે. અમે અગાઉ પણ કહ્યું હતું કે ફટાકડા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં."
બીજી તરફ, નવેમ્બર 8ના રોજ ઉજવાયેલી દિવાળી બાદ સમગ્ર ઉત્તર ભારતમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. દિલ્હી-NCR ઉપરાંત ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.