સત્ય. સાહસ. સંકલ્પ.

યમન યુદ્ધમાં 680ના મોત, 1.30 લાખ વિસ્થાપિત: યુએન

યમન યુદ્ધમાં 680ના મોત, 1.30 લાખ વિસ્થાપિત: યુએન

યમનમાં સાઉદી સમર્થિત સરકારી સેના અને ઈરાન સમર્થિત હુથી બળવાખોરો વચ્ચે ઓગસ્ટમાં ફરી ભડકેલા યુદ્ધમાં 680 લોકોના મોત થયા છે અને 1.30 લાખ લોકો વિસ્થાપિત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ આંકડા જાહેર કર્યા છે. સંસ્થાના જણાવ્યા અનુસાર લગભગ ત્રણ હજાર લોકો ઘાયલ થયા છે. મૃત્યુ, ઘાયલ અને વિસ્થાપિત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે.

WHOએ જણાવ્યું કે 13થી 18 સપ્ટેમ્બર વચ્ચે 164 લોકોના મોત થયા અને 516 ઘાયલ થયા. યમન હવે ગાઝા પટ્ટી જેવી કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં યુદ્ધ વધુ તીવ્ર બનશે તો મૃત્યુઆંક અને વિસ્થાપિતોની સંખ્યા વધુ વધી શકે છે. યમનની દક્ષિણપશ્ચિમમાં આવેલો લહજ પ્રાંત મહત્વનું યુદ્ધસ્થળ બન્યો છે, જ્યાં 58 લોકોના મોત થયા અને 226 ઘાયલ થયા. બંને પક્ષના લશ્કર ત્યાં આમને સામને છે.

બ્રિટિશ લશ્કરના જણાવ્યા અનુસાર હોર્મુઝની ખાડીમાં એક ટેન્કર પર ડ્રોન હુમલો થયો, જેમાં ટેન્કરના બે કર્મચારી ઘાયલ થયા. જહાજને તરત જ નજીકના બંદરે લઈ જવામાં આવ્યું. હુમલો કોણે કર્યો તે હજી જાણમાં નથી અને કોઈએ તેની જવાબદારી લીધી નથી. હોર્મુઝમાંથી ટેન્કરો પસાર થઈ રહ્યા છે, પણ ટ્રાફિક પહેલા જેટલો સામાન્ય થયો નથી.

ઈરાન સાથેના યુદ્ધના કારણે અમેરિકામાં ડીઝલના ભાવ વિક્રમી સ્તરે પ્રતિ ગેલન 6.28 ડોલરે પહોંચ્યા છે. આટલા ઊંચા ભાવ છેલ્લે 2022માં જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં ભાવ વધુ વધવાની સંભાવના છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને પર્યાવરણલક્ષી નિયમોના કારણે ડીઝલ પર પહેલેથી દબાણ હતું, હવે ઈરાન સાથેના યુદ્ધે તેમાં વધારો કર્યો છે. સપ્ટેમ્બર 2025માં ડીઝલ પ્રતિ ગેલન 3.75 ડોલર હતું, જેની તુલનાએ આ વર્ષે 67 ટકા વધારો થયો છે. ફેબ્રુઆરીમાં આ ભાવ 3.52 ડોલર હતો, એટલે છેલ્લા છ મહિનામાં 78 ટકાનો વધારો થયો છે.

બીજી તરફ પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી ઈરાન પહોંચ્યા છે. ઈરાનના ગૃહ પ્રધાન ઈસ્કંદર મોમેનીએ તેમનું સ્વાગત કર્યું. નકવીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે ફરીથી સંવાદ શરૂ કરાવવાના પ્રયાસ કરી રહ્યું છે.