યમનની વચગાળાની રાજધાની અદનમાં હૂતી બળવાખોરોએ રાષ્ટ્રપતિ ભવન પર પાંચ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે, જેમાં બે સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. હુમલા સમયે વડાપ્રધાન શાયા મોહસેન અલ-જિંદાની અને સરકારના અનેક મંત્રીઓ પરિસરમાં જ હાજર હતા, પરંતુ તમામ સુરક્ષિત છે. માહિતી મંત્રાલયના જણાવ્યા અનુસાર, હુમલામાં ચાર લોકોનાં મોત થયાં છે.
હૂતી બળવાખોરોએ દાવો કર્યો છે કે તેમણે અદનમાં સાઉદી અરેબિયાના સૈન્ય અભિયાનના મુખ્યાલય પર હુમલો કર્યો હતો અને હથિયારોના ભંડારને નિશાન બનાવ્યો હતો. જોકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. હુમલા બાદ રાષ્ટ્રપતિ ભવનમાંથી ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા.
અદન યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારની વચગાળાની રાજધાની છે. યમનમાં સરકાર અને ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. સાઉદી અરેબિયા યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારને સમર્થન આપે છે અને હૂતીઓ સામે લડતી સરકારી સેનાઓને હવાઈ મદદ પૂરી પાડે છે. બીજી તરફ, ઈરાન પર હૂતી બળવાખોરોને સમર્થન આપવાના આરોપો લગાવવામાં આવે છે.
આ હુમલાથી યમનમાં સંઘર્ષ વધુ ભડકવાની આશંકા છે. હૂતીઓએ કહ્યું છે કે તેમનું નિશાન સાઉદી સૈન્ય અભિયાન સાથે જોડાયેલા ઠેકાણા હતા.
અલગથી, બ્રિટનની સંસ્થા કૉન્ફ્લિક્ટ આર્મામેન્ટ રિસર્ચ (CAR) એ બુધવારે એક અહેવાલમાં જણાવ્યું છે કે હૂતી બળવાખોરો ચીનથી મંગાવવામાં આવેલા ભાગોની મદદથી નવી બેલિસ્ટિક મિસાઇલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, બળવાખોરો ઈરાનમાં ડિઝાઇન કરવામાં આવેલી ખૈબર શિકન મિસાઇલ જેવી મિસાઇલ તૈયાર કરવા માગે છે, જેની મારક ક્ષમતા આશરે 1500 કિલોમીટર છે. જો તેઓ આ હથિયાર બનાવવામાં સફળ થાય, તો સાઉદી અરેબિયા ઉપરાંત ઇઝરાયલને પણ વધુ ચોકસાઈથી નિશાન બનાવી શકે છે. ઈરાને 9 ફેબ્રુઆરી 2022ના રોજ ખૈબર શિકન મિસાઇલ જાહેરમાં રજૂ કરી હતી, જે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા વિકસાવવામાં આવી છે.
યમનમાં હૂતીઓએ 2014માં રાજધાની સના પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ 2015માં સાઉદી અરેબિયાએ અનેક દેશો સાથે મળીને તેમની વિરુદ્ધ સૈન્ય અભિયાન શરૂ કર્યું. સાઉદી અરેબિયા ઇચ્છતું હતું કે યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકાર ફરીથી સત્તામાં આવે અને હૂતીઓનો કબજો સમાપ્ત થાય. ઘણા વર્ષો સુધી યમનમાં હવાઈ હુમલા થતા રહ્યા, પરંતુ સાઉદી ગઠબંધન હૂતીઓને સંપૂર્ણપણે પાછળ ધકેલવામાં સફળ થયું નથી. હૂતીઓ હજુ પણ યમનના મોટા ભાગ પર પોતાની પકડ ધરાવે છે અને તેમની લડાઈની અસર સાઉદી અરેબિયાની સુરક્ષા પર પણ પડી રહી છે.