સત્ય. સાહસ. સંકલ્પ.

હર્ષિત રાણા બહાર, યશ ઠાકુરને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું

હર્ષિત રાણા બહાર, યશ ઠાકુરને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ફાસ્ટ બોલર હર્ષિત રાણાના સ્થાને યશ ઠાકુરને ભારતીય ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. હર્ષિત રાણા અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝ અને 2026 એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે.

બીસીસીઆઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, પુરુષ પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ અને 2026 એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં હર્ષિત રાણાની જગ્યાએ યશ ઠાકુરને પસંદ કર્યો છે. બોર્ડના જણાવ્યા અનુસાર, હર્ષિત રાણા ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો હતો, પરંતુ 7 સપ્ટેમ્બરે એક મેચ સિમ્યુલેશન દરમિયાન બોલિંગ કરતી વખતે તેને 'રેક્ટસ ફેમોરિસ'માં ખેંચાણ આવ્યું હતું, જેના કારણે તેને ટીમમાંથી બહાર થવું પડ્યું છે.

આ પહેલા સ્ક્વોડની જાહેરાત સમયે બીસીસીઆઈએ હર્ષિત રાણા સહિત 4 ખેલાડીઓને ફિટનેસની શરતને આધીન રાખ્યા હતા. જેમાં હર્ષિત બહાર થઈ ગયો છે, જ્યારે જસપ્રીત બુમરાહ, નિતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરને ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે.

વિદર્ભ માટે રમતા 27 વર્ષીય ફાસ્ટ બોલર યશ ઠાકુરે આ વર્ષે જુલાઈમાં ભારતના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન તેની ટી-20 ડેબ્યૂ કરી હતી. બે મેચોમાં તેણે 4 વિકેટ લીધી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે 50 મેચ રમી છે, જેમાં 7.04ના શાનદાર ઈકોનોમી રેટથી 81 વિકેટ લીધી છે. આઈપીએલની છેલ્લી સિઝનમાં તે પંજાબ કિંગ્સ માટે રમ્યો હતો.

અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે ભારતનો અપડેટેડ સ્ક્વોડ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), શિવમ દુબે, નિતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યશ ઠાકુર.

2026 એશિયન ગેમ્સ માટે ભારતનો અપડેટેડ સ્ક્વોડ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ કેપ્ટન), નિતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, યશ ઠાકુર.