ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે માઉન્ટ મૌંગાનુઈમાં રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ 22 રનથી જીત મેળવીને શ્રેણી 3-1થી પોતાના નામે કરી. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર યશ ઠાકુર માટે મેદાન પર ઉતરવું ખાસ હતું, કારણ કે તે તેની કારકિર્દીની પહેલી વન-ડે મેચ હતી.
મેચ દરમિયાન એક રમુજી ઘટના બની, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યશ ઠાકુર જ્યારે બાઉન્ડ્રી પાસે ઊભા રહીને દર્શકોને ઓટોગ્રાફ આપી રહ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે ત્યાં બેઠેલા એક ચાહકે અચાનક પોતાનું નાનું બાળક ઊંચક્યું અને સીધું યશ ઠાકુર તરફ ધરી દીધું અને કહ્યું, 'સર, મારા બાળકને પકડી લેશો.'
ચાહકની આ અનોખી અદા જોઈને યશ ઠાકુર પણ એક ક્ષણ માટે ચોંકી ગયા. તેમણે બાળકને પોતાની ગોદમાં લેવાને બદલે પ્રેમથી સ્થિતિ સંભાળી અને ઓટોગ્રાફ આપવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે અને ચાહકો તેનો આનંદ માણી રહ્યા છે.
યશ ઠાકુર માટે આ દિવસ રમતની દૃષ્ટિએ પણ યાદગાર રહ્યો. મેચ પહેલા તેમને અક્ષર પટેલ દ્વારા તેમની પહેલી વન-ડે કેપ આપવામાં આવી હતી. પોતાની પહેલી જ વન-ડે મેચમાં બોલિંગ કરતા યશે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે પોતાની 10 ઓવરના સ્પેલમાં માત્ર 38 રન ખર્ચ્યા અને ખતરનાક દેખાઈ રહેલા બેટ્સમેન ડીન ફોક્સક્રાફ્ટની મહત્વની વિકેટ ઝડપી. યશની આ અસરદાર બોલિંગ અને ટીમના અન્ય બોલરોના દમદાર પ્રદર્શનના જોરે ભારતે 210 રનના નાના સ્કોરનો બચાવ કરીને મેચ 22 રનથી જીતી લીધી.