સત્ય. સાહસ. સંકલ્પ.

યશ સોનીના જન્મદિવસે જાનકી બોડીવાલાએ 'ગોળધાણા'ની રિલીઝ ડેટ જાહેર કરી

યશ સોનીના જન્મદિવસે જાનકી બોડીવાલાએ 'ગોળધાણા'ની રિલીઝ ડેટ જાહેર કરી

ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ તેમની આગામી ફિલ્મ 'ગોળધાણા'ની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 12 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે. આ તારીખ વેલેન્ટાઇન વીકમાં આવે છે.

યશ સોનીનો જન્મદિવસ 16 ઓક્ટોબરે છે. જાનકી બોડીવાલાએ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરીને યશને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સાથે જ તેમણે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી. જાનકીએ લખ્યું, 'હેપ્પી બર્થડે મોહિત... મોહિત અને મિશિકાની ગોળધાણાની સેરેમની જોવા થિયેટરમાં આવો, 12 ફેબ્રુઆરી 2027.'

યશ સોનીએ પણ રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. તેમણે લખ્યું, 'હું તારી સાથે રોમાન્સમાં કાચો પડું છું, મિશિકા.'

ફિલ્મ 'ગોળધાણા'માં યશ સોનીએ મોહિતનો રોલ પ્લે કર્યો છે, જ્યારે જાનકી બોડીવાલાએ મિશિકાનો રોલ કર્યો છે. 'છેલ્લો દિવસ' અને 'નાડીદોષ' બાદ જાનકી અને યશ ત્રીજીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને ચિન્મય પરમારે ડિરેક્ટ કરી છે. પેનોરમા સ્ટુડિયો અને બિગ બોક્સ સિરીઝ હેઠળ બનેલી આ ફિલ્મને કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, કૃષ્ણદેવ યાજ્ઞિક અને મુરલીધર છટવાણીએ પ્રોડ્યુસ કરી છે.

યશ સોનીનો જન્મ 16 ઓક્ટોબર 1996ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા ચંદ્રેશ સોની, માતા લીના સોની અને નાનો ભાઈ કાવ્ય છે. યશે અમદાવાદની શારદા મંદિર અને શેઠ સી.એન. વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. થિયેટરમાં અભિનય કૌશલ્ય શાર્પ કર્યા બાદ 2015માં ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ 'છેલ્લો દિવસ'થી ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કર્યું. અભિનય કરિયરમાં તેમને પિતાએ ઘણો સપોર્ટ કર્યો છે. 11 વર્ષની કરિયરમાં યશે અલગ-અલગ રોલ પ્લે કર્યા છે. અભિષેક જૈનની ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો છે. આ ફિલ્મમાં યશ લીડ રોલમાં હતો.