સત્ય. સાહસ. સંકલ્પ.

યશે 'રામાયણ' વિશે ચાહકોને અપીલ કરી: VFXની નાની ખામીઓ ન શોધો, ફિલ્મ ખુલ્લા મનથી જુઓ

યશે 'રામાયણ' વિશે ચાહકોને અપીલ કરી: VFXની નાની ખામીઓ ન શોધો, ફિલ્મ ખુલ્લા મનથી જુઓ

હૈદરાબાદમાં સોમવારે રાત્રે ફિલ્મ 'રામાયણ: પાર્ટ વન'ના પ્રી-રિલીઝ ઇવેન્ટમાં અભિનેતા યશે ચાહકોને ફિલ્મ ખુલ્લા મનથી જોવાની અપીલ કરી. તેમણે કહ્યું કે VFXની નાની-નાની ખામીઓ શોધવાનો પ્રયાસ ન કરો. આ ફિલ્મ 5 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.

યશે કહ્યું, "જ્યારે કોઈ આ પ્રકારની ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે પોતાની પ્રતિષ્ઠા અને પૈસા દાવ પર લગાવે છે. તે ફિલ્મને વૈશ્વિક પ્લેટફોર્મ પર લઈ જવા માંગે છે. હું તમને એક વાત કહેવા માંગુ છું: કૃપા કરીને નાની-નાની ખામીઓ શોધશો નહીં. VFXમાં આ ખામી છે, તે બરાબર નથી. જો આપણે અત્યારે આવા લોકોને ગુમાવી દઈશું, તો આવું ફરી નહીં થાય."

તેમણે ઉમેર્યું કે આવી ફિલ્મ બનવામાં ઘણાં વર્ષો લાગશે અને આપણે ફરી પાછળ ધકેલાઈ જઈશું. તેમણે લોકોને ફિલ્મ ખુલ્લા મનથી જોવાની અપીલ કરી. તેમણે કહ્યું, "નમિત મલ્હોત્રાએ હંમેશાં દરેક પ્રતિસાદ અને ટીકા સ્વીકારી છે. તેમણે તેને વધુ સારું બનાવવાનો પ્રયાસ કર્યો છે."

યશે પોતાના શુભેચ્છકો, ચાહકો અને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સાથે આવવાની અપીલ કરી. તેમણે તેલુગુ, કન્નડ, મલયાલમ, તમિલ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને દુનિયાને એકતાનો સંદેશ આપવા કહ્યું.

યશે જણાવ્યું કે તેઓ 'રામાયણ' સાથે એટલા માટે જોડાયા, કારણ કે કો-પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાનું વિઝન તેમને પસંદ આવ્યું. તેમણે કહ્યું કે 'રામાયણ' જેવી મોટી વિચારસરણીને સાકાર કરવા માટે નમિત મલ્હોત્રા જેવા વ્યક્તિમાં જુસ્સો, મહેનત, દૃઢ સંકલ્પ અને હદથી વધુ સમર્પણ છે.

યશે કહ્યું, "એક ભારતીય હોવાના નાતે હું કહી રહ્યો છું કે આપણે આ વ્યક્તિને બચાવવી જોઈએ. આ આપણી જવાબદારી છે." તેમણે જણાવ્યું કે નમિત મલ્હોત્રા લોસ એન્જલસમાં આરામથી વ્યવસાય કરી રહ્યા હતા. યશના જણાવ્યા મુજબ, દરેક મુલાકાતમાં તેઓ કહેતા હતા કે ભારતીયોએ ઘણું બધું કર્યું છે, પરંતુ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે પણ કંઈક કરવું જોઈએ.

યશે નમિતના હવાલાથી કહ્યું, "મને ઓસ્કાર મળી રહ્યા છે, પરંતુ હું ખુશ નથી. હું ઇચ્છું છું કે આપણો દેશ તે સ્તરે પહોંચે. જે દિવસે આવું થશે, તે દિવસે હું ખુશ થઈ જઈશ."

યશ ઉપરાંત ઇવેન્ટમાં નમિત મલ્હોત્રા, રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે પણ હાજર હતા. રણબીર કપૂરે 'રામાયણ'ને ખાસ ફિલ્મ ગણાવી. તેમણે કહ્યું, "કેટલીક કથાઓ માત્ર સંભળાવવામાં આવતી નથી, તેઓ આપણા અંતરમાં ઊંડે વસેલી હોય છે. રામાયણ પણ એવી જ એક કથા છે."

રણબીરે કહ્યું, "પ્રભુ શ્રીરામની ભૂમિકા ભજવવી મારા માટે લાગણીઓથી ભરપૂર સફર રહી છે. આ ભૂમિકાએ મને યાદ અપાવ્યું કે હૃદયમાં શક્તિ, હિંમત, કરુણા, ક્ષમા અને કૃતજ્ઞતા રાખવી શું હોય છે." તેમણે કહ્યું કે હંમેશાં સાચો માર્ગ પસંદ કરવો જોઈએ. રણબીરે આશા વ્યક્ત કરી કે ફિલ્મ દર્શકોને એ વાર્તાઓ સુધી લઈ જશે, જે તેમણે બાળપણમાં પોતાના દાદા-દાદી અને માતા-પિતા પાસેથી સાંભળીને જાણી હતી.

ઇવેન્ટ દરમિયાન રણબીર કપૂર અને યશે સાથે મળીને પોઝ આપ્યો.

ઉલ્લેખનીય છે કે રામાયણમાં ભગવાન રામનો લુક હનુમાન જયંતી પર જાહેર કરવામાં આવ્યો હતો. ટીઝરમાં યુદ્ધના દૃશ્યો અને શાનદાર VFX પણ જોવા મળ્યાં હતાં, જેની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી. જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે ફિલ્મનાં દૃશ્યોને હોલિવૂડની ફિલ્મોની નકલ ગણાવી હતી. ટીઝરમાં બતાવવામાં આવેલા યુદ્ધના દૃશ્યો (લંકામાં) કેટલાક યુઝર્સને હોલીવૂડની ફિલ્મો જેવા લાગ્યા હતા. કેટલાકે તેને ગેમ ઑફ થ્રોન્સ અથવા અન્ય હોલીવૂડની ફિલ્મોથી પ્રેરિત ગણાવ્યું હતું. રાક્ષસોના ડિઝાઇન અને કેટલાક શૉટ્સને લૉર્ડ ઑફ ધ રિંગ્સ જેવી હોલીવૂડની ફિલ્મોમાંથી કૉપી કરાયેલા ગણાવવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે લખ્યું હતું, "રામાયણ ફિલ્મનું ટીઝર ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યું. બજેટ 4 હજાર કરોડ રૂપિયા છે, જ્યારે આ નાના ટીઝરમાં અમને અનેક એવા શોટ્સ જોવા મળ્યા જે હોલિવૂડની ફિલ્મમાંથી કોપી કરવામાં આવ્યા છે. સવાલ એ છે કે આટલી મોંઘી ફિલ્મમાં કોપી કરેલા શોટ્સ દ્વારા શું લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે?"