મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમે મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને તેની તસવીરો સાથે છેડછાડ ન કરવા અપીલ કરી છે. રવિવારે તેમણે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું કે તેમની જાહેર ઉપસ્થિતિની તસવીરોને બદલવા કે સુધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ ન કરવામાં આવે.
યામીએ લખ્યું, “મીડિયા માટે એક વિનમ્ર વિનંતી. કૃપા કરીને જાહેર કાર્યક્રમોમાં લેવામાં આવેલા મારા ફોટોગ્રાફ્સને AI દ્વારા બદલવાનું કે વધુ સારું બનાવવાનું ટાળો. કૃપા કરીને ફોટોગ્રાફ્સનો ઉપયોગ તેમના મૂળ સ્વરૂપમાં જ કરો. કોઈ વ્યક્તિના ફોટોગ્રાફ કે દેખાવમાં AIનો ઉપયોગ કરીને તેમની જાણકારી અને સંમતિ વિના ફેરફાર કે હેરફેર કરવી જોઈએ નહીં. મારી વિનંતીનો આદર કરવા બદલ અગાઉથી જ આભાર!”
આ નિવેદન સેલિબ્રિટીઝના AI દ્વારા બનાવવામાં આવેલા ડીપફેક અને વાંધાજનક કન્ટેન્ટ અંગે વધી રહેલા વિવાદો વચ્ચે આવ્યું છે. આ પહેલાં સમંથા રૂથ પ્રભુ અને જાહ્નવી કપૂર સાથે જોડાયેલા ડીપફેક મામલાઓ પર હાઈકોર્ટ તથા ફિલ્મી કલાકારોની કડક પ્રતિક્રિયાઓ સામે આવી ચૂકી છે.
તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સૂચના આપી હતી કે તેઓ અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ સાથે સંબંધિત વાંધાજનક કન્ટેન્ટને તરત જ દૂર કરે. તેમાં AI દ્વારા બનાવવામાં આવેલા ડીપફેક અને પરવાનગી વિના તેના નામ તથા ચહેરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી જાહેરાતોનો સમાવેશ થતો હતો. કોર્ટે માન્યું કે, પરવાનગી વિના કોઈ સેલિબ્રિટીની ઓળખનો વ્યાવસાયિક ઉપયોગ યોગ્ય નથી.
તાજેતરમાં જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂરની ફિલ્મ 'દેવરા પાર્ટ 1'ના ગીત 'ચુટ્ટમલ્લે'નો એક એડિટેડ ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં જાહ્નવી કપૂરના ચહેરાને AI દ્વારા બદલીને આપત્તિજનક રીતે દર્શાવવામાં આવ્યો હતો. જાહ્નવી કપૂરે લખ્યું, 'આ અત્યંત ઘૃણાસ્પદ, શરમજનક અને નિંદનીય છે. જે દેશમાં મહિલાઓને માતા અને દેવી તરીકે સન્માન આપવામાં આવે છે અને ‘માતૃદેવો ભવ’ આપણી સંસ્કૃતિનો ભાગ છે, ત્યાં કેટલાક લોકો AIનો ઉપયોગ કરીને એક મહિલાનું આ રીતે અપમાન કરી રહ્યા છે.'
જુનિયર એનટીઆરએ મોર્ફ્ડ ‘ચુટ્ટામલ્લે’ વીડિયો બનાવનારાઓ અને તેને ફેલાવનારાઓને કડક ચેતવણી આપી. તેમણે લખ્યું, '‘ચુટ્ટામલ્લે’નો આ મોર્ફ્ડ વીડિયો બનાવનારાઓ અને ફેલાવનારાઓ વિરુદ્ધ હું શક્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરીશ. હું તેમાંથી કોઈને પણ છોડીશ નહીં.' મામલો વકર્યા બાદ તે વીડિયોને સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યો હતો.
વિજય દેવરકોન્ડાએ ‘ચુટ્ટામલ્લે’ના ડીપફેક વીડિયો પર નારાજગી વ્યક્ત કરતાં તેને અત્યંત ગંભીર મામલો ગણાવ્યો. તેમણે કહ્યું કે, વીડિયો બનાવનારાઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેમને બક્ષવા ન જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, લોકો એકબીજાને નીચા દેખાડવા બાબતે આટલા અસંવેદનશીલ કેવી રીતે બની ગયા છે. વિજયે કહ્યું કે લોકોની નોકરી જવાની ચિંતા વચ્ચે AIનો ઉપયોગ આ પ્રકારની બકવાસ માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે આ પ્રકારના ડીપફેકને ડિજિટલ રીતે જાતીય ઉત્પીડન સમાન ગણાવ્યું અને કહ્યું કે કાયદાએ આવા મામલાઓને અત્યંત ગંભીરતાથી લેવા જોઈએ.
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર ચિરંજીવીએ પણ AIના ખોટા ઉપયોગની નિંદા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આવા કન્ટેન્ટને ક્રૂર, શરમજનક અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યું. તેમણે કહ્યું, 'આ માત્ર કોઈ એક મહિલા અથવા ફિલ્મ સાથે જોડાયેલો મામલો નથી. આજે કોઈ અન્ય સાથે થયું છે, કાલે આ તમારી, મારી અથવા કોઈ ઓળખીતાની સાથે પણ થઈ શકે છે.' ચિરંજીવીએ કહ્યું કે, 'આવા વીડિયો બનાવનારાઓ અને તેમને જાણીજોઈને ફેલાવનારાઓ સામે કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ.' તેમણે તેને મજાક કે મનોરંજન માનવાનો ઇનકાર કર્યો અને તેલુગુ ફિલ્મ ચેમ્બર, પ્રોડ્યુસર્સ કાઉન્સિલ અને ઉદ્યોગની સંસ્થાઓ સાથે મળીને એક કમિટી અને સપોર્ટ સેલ બનાવવાની વાત કરી.