સત્ય. સાહસ. સંકલ્પ.

યામી ગૌતમ અને આદિત્ય ધરે મુંબઈ છોડ્યું, હિમાચલના 100 વર્ષ જૂના વારસાગત ઘરમાં સ્થાયી થયા

યામી ગૌતમ અને આદિત્ય ધરે મુંબઈ છોડ્યું, હિમાચલના 100 વર્ષ જૂના વારસાગત ઘરમાં સ્થાયી થયા

અભિનેત્રી યામી ગૌતમ અને દિગ્દર્શક આદિત્ય ધરે મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશમાં કાયમી ધોરણે સ્થાયી થવાનો નિર્ણય લીધો છે. 'ફ્રી પ્રેસ જર્નલ'ના અહેવાલ મુજબ, બંને લાઇમલાઇટથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવવા માટે હિમાચલના મંડી જિલ્લામાં આવેલા પોતાના ઘરે રહેવા ગયા છે. જોકે, ફિલ્મોના કામકાજને કારણે બંનેનું મુંબઈ આવવું-જવું ચાલુ રહેશે.

37 વર્ષીય યામી ગૌતમનો જન્મ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો. લગ્ન પહેલાં તેમણે મંડીના ગોહરમાં 25 એકર જમીન પર બનેલું 100 વર્ષ જૂનું વારસાગત ઘર ખરીદ્યું હતું. લાકડા અને પથ્થરથી બનેલા આ ઘરની આસપાસ બગીચા છે, જ્યાં સફરજન, બટાકા, આલૂબુખારા અને આદુ ઉગાડવામાં આવે છે. 40 વર્ષીય આદિત્ય ધર અને યામીએ 4 જૂન 2021ના રોજ આ જ મિલકતમાં લગ્ન કર્યા હતા.

હિમાચલ જતાં પહેલાં આ કપલ મુંબઈના ખાર વેસ્ટ વિસ્તારમાં ચિત્રકાર ધુરંધર માર્ગ પર આવેલા એક મોટા એપાર્ટમેન્ટમાં ભાડે રહેતું હતું. આદિત્ય ધરે પોતાની ફિલ્મ 'ધુરંધર'ના પ્રમોશન દરમિયાન પોતાના ઘરનું સરનામું પણ જણાવ્યું હતું. 'ધુરંધર' અને 'ધુરંધર 2'ની સફળતા બાદ કપલ આ ઘર ખરીદવાની ચર્ચામાં હતું, પરંતુ હવે તેમણે હિમાચલને પોતાનું કાયમી ઠેકાણું બનાવી લીધું છે.

યામી અને આદિત્ય મે 2024માં માતા-પિતા બન્યા હતા. તેમના પુત્રનું નામ વેદાવિદ છે. કપલે પોતાના પુત્રની ગોપનીયતાનું ધ્યાન રાખતાં તેનો ચહેરો મીડિયા અને સોશિયલ મીડિયા પર બતાવ્યો નથી. યામીએ ગયા વર્ષે પુત્ર સાથેની એક તસવીર શેર કરી હતી, પરંતુ તેમાં પણ ચહેરો છુપાવી રાખ્યો હતો.

તાજેતરમાં યોજાયેલા 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ સમારોહમાં યામી ગૌતમને ફિલ્મ 'આર્ટિકલ 370' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો અવોર્ડ મળ્યો છે, જ્યારે તેમના પતિ ફિલ્મમેકર આદિત્ય ધરની ફિલ્મ 'આર્ટિકલ 370'ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો અવોર્ડ મળ્યો છે.

રિપોર્ટ્સ મુજબ, યામી અને આદિત્યની સંયુક્ત સંપત્તિ લગભગ 100થી 125 કરોડ રૂપિયા છે. તેમાં યામી ગૌતમની વ્યક્તિગત સંપત્તિ 90 કરોડ રૂપિયા છે, જે તેમની એક્ટિંગ અને જાહેરાતોમાંથી આવે છે. બીજી તરફ, ફિલ્મ 'ઉરી' અને 'ધુરંધર'ના ડિરેક્ટર આદિત્ય ધરની સંપત્તિ 20થી 60 કરોડ રૂપિયા વચ્ચે આંકવામાં આવી હતી. 'ધુરંધર' ફ્રેન્ચાઇઝીના સહ-નિર્માતા હોવાને કારણે તેમની કુલ સંપત્તિમાં વધુ વધારો થયો છે.