સત્ય. સાહસ. સંકલ્પ.

યામી ગૌતમ અને આદિત્ય ધર મુંબઈ છોડીને હિમાચલ નથી શિફ્ટ થયા, ટીમે અહેવાલોને ફગાવ્યા

યામી ગૌતમ અને આદિત્ય ધર મુંબઈ છોડીને હિમાચલ નથી શિફ્ટ થયા, ટીમે અહેવાલોને ફગાવ્યા

મુંબઈ: અભિનેત્રી યામી ગૌતમ અને નિર્દેશક આદિત્ય ધર મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશમાં કાયમી વસવાટ કરવા જઈ રહ્યા છે, તેવા અહેવાલોને તેમની ટીમે ફગાવી દીધા છે. ટીમના જણાવ્યા મુજબ, આ દાવાઓમાં કોઈ તથ્ય નથી.

તાજેતરમાં કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે યામી અને આદિત્ય મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સ્થાયી થઈ રહ્યા છે. જોકે, આદિત્ય ધરની ટીમે સ્ક્રીન સાથેની વાતચીતમાં આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 37 વર્ષીય યામી ગૌતમનો જન્મ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો. લગ્ન પહેલાં તેમણે મંડી જિલ્લાના ગોહર ગામમાં 25 એકર જમીન પર બનેલું 100 વર્ષ જૂનું હેરિટેજ ઘર ખરીદ્યું હતું. લાકડા અને પથ્થરથી બનેલા આ ઘરની આસપાસ બગીચા છે, જ્યાં સફરજન, બટાકા, આલૂબુખારા અને આદુ જેવા પાક ઉગાડવામાં આવે છે.

આદિત્ય ધર (40) અને યામી ગૌતમે 4 જૂન 2021ના રોજ આ જ પ્રોપર્ટીમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ હતી.

અગાઉ આ કપલ મુંબઈના ખાર વેસ્ટ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતું હતું. આ ઘર ચિત્રકાર ધુરંધર માર્ગ પર આવેલું છે. આદિત્ય ધરે તેમની ફિલ્મ 'ધુરંધર'ના પ્રમોશન દરમિયાન પોતાના ઘરનું સરનામું જણાવ્યું હતું. 'ધુરંધર' અને 'ધુરંધર 2'ની સફળતા બાદ કપલ આ ઘર ખરીદવાની ચર્ચામાં હતું, પરંતુ હવે તેમણે હિમાચલને પોતાનું કાયમી ઠેકાણું બનાવ્યું હોવાના અહેવાલો ખોટા ઠર્યા છે.

યામી અને આદિત્ય મે 2024માં માતા-પિતા બન્યા હતા. તેમના પુત્રનું નામ વેદાવિદ છે. કપલે પોતાના પુત્રની ગોપનીયતાનું ધ્યાન રાખતાં તેનો ચહેરો મીડિયા અને સોશિયલ મીડિયા પર બતાવ્યો નથી. યામીએ ગયા વર્ષે પુત્ર સાથેની એક તસવીર શેર કરી હતી, પરંતુ તેમાં પણ ચહેરો છુપાવી રાખ્યો હતો.

તાજેતરમાં યોજાયેલા 72મા નેશનલ ફિલ્મ અવોર્ડમાં યામી ગૌતમને ફિલ્મ 'આર્ટિકલ 370' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે. જ્યારે તેમના પતિ અને ફિલ્મમેકર આદિત્ય ધરની ફિલ્મ 'આર્ટિકલ 370'ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો.

અહેવાલો મુજબ, યામી અને આદિત્યની સંયુક્ત નેટવર્થ લગભગ 100થી 125 કરોડ રૂપિયા છે. જેમાં યામી ગૌતમની વ્યક્તિગત નેટવર્થ 90 કરોડ રૂપિયા છે, જે તેમની અભિનય અને જાહેરાતોમાંથી આવે છે. બીજી તરફ, ફિલ્મ 'ઉરી' અને 'ધુરંધર'ના નિર્દેશક આદિત્ય ધરની સંપત્તિ 20થી 60 કરોડ રૂપિયા વચ્ચે આંકવામાં આવી હતી. 'ધુરંધર' ફ્રેન્ચાઇઝીના સહ-નિર્માતા હોવાને કારણે તેમની કુલ સંપત્તિમાં વધુ વધારો થયો છે.