ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 વર્ષ પછી અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે. વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચે વેપાર, ટેકનોલોજી અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાત થઈ છે.
જિનપિંગની આ મુલાકાત એ સમયે થઈ છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર ખાધ 202 અબજ ડોલરની છે. અમેરિકા ચીન પાસેથી મોટા પ્રમાણમાં માલ ખરીદે છે, જ્યારે ચીન અમેરિકા પાસેથી ઓછી ખરીદી કરે છે. આ સમિટમાં અમેરિકા ચીનને વધુ કૃષિ ઉત્પાદનો અને બોઈંગ વિમાનો ખરીદવા માટે વિનંતી કરી રહ્યું છે.
ચીનના વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કૃષિ વેપાર અને વિમાન સોદા પર ચર્ચા થઈ શકે છે. અમેરિકા તરફથી સોયાબીન, કૃષિ ઉત્પાદનો અને બોઈંગ વિમાનોના સોદા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ચીનની અપેક્ષાઓમાં તાઈવાન મુદ્દે અમેરિકાનો વિરોધ, દુર્લભ ખનિજોમાં રાહત અને ટેરિફમાં છૂટ સામેલ હોઈ શકે છે. ગયા મે મહિનામાં ટ્રમ્પે તાઈવાન સાથેની 14 અબજ ડોલરની હથિયારોની ડીલ રોકી હતી.
અમેરિકાની ચીન પર નિર્ભરતા પણ વધી છે. હોર્મુઝમાંથી તેલ સપ્લાય ચાલુ રહે તે માટે અમેરિકાને ચીનની જરૂર છે. ઉપરાંત અમેરિકા પર 40 ટ્રિલિયન ડોલરનું દેવું છે, જેના કારણે તેની આર્થિક સ્થિતિ પર દબાણ છે.
આ મુલાકાત દરમિયાન જિનપિંગ ત્રણ દિવસ અમેરિકામાં રહેશે. વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત અને રાત્રિભોજન યોજાયું છે. આવતીકાલે વેપાર, ટેકનોલોજી, AI અને તાઈવાન મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.