સત્ય. સાહસ. સંકલ્પ.

જિનપિંગની અમેરિકા યાત્રા પૂરી: ટ્રમ્પે ઈરાન મુદ્દે ચેતવણી આપી, કોઈ મોટી ડીલ નહીં

જિનપિંગની અમેરિકા યાત્રા પૂરી: ટ્રમ્પે ઈરાન મુદ્દે ચેતવણી આપી, કોઈ મોટી ડીલ નહીં

ચીનના પ્રમુખ શી જિનપિંગની ત્રણ દિવસીય અમેરિકા યાત્રા પૂરી થઈ છે. શુક્રવારે તેઓ વૉશિંગ્ટનથી બેઇજિંગ જવા રવાના થયા. આ યાત્રા દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે વેપાર, ઈરાન, યુક્રેન, તાઇવાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા સંવેદનશીલ વિષયો પર લાંબી ચર્ચા થઈ.

જોકે આ બેઠક બાદ કોઈ ઐતિહાસિક નવી ડીલ થઈ નથી. જિનપિંગ રવાના થતાં જ ટ્રમ્પે પોતાના 'ટ્રુથ સોશિયલ' એકાઉન્ટ પર બંને નેતાઓની તસવીર શેર કરીને "America is back" લખ્યું. પરંતુ બંધ બારણે થયેલી બેઠકમાં ટ્રમ્પે ચીનને ઈરાનના મામલે કડક ચેતવણી આપી હતી.

ઈરાનને મદદ ન કરવા ચેતવણી

આ બેઠકમાં સૌથી ગંભીર મુદ્દો પશ્ચિમ એશિયાનો તણાવ અને ઈરાનની ભૂમિકા હતો. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પે જિનપિંગને સ્પષ્ટ કહ્યું કે ચીન ઈરાનને કોઈપણ પ્રકારની સૈન્ય કે આર્થિક મદદ ન આપે. ચીનમાં અમેરિકી રાજદૂત ડેવિડ પરડ્યુના જણાવ્યા મુજબ, ટ્રમ્પે સાફ કરી દીધું હતું કે ઈરાનને પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે સહાય આપવી અમેરિકાને સ્વીકાર્ય નથી. જવાબમાં ચીને ખાતરી આપી કે તે ઈરાનને આવી કોઈ મદદ કરશે નહીં.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અહેવાલો હતા કે ચીન ઈરાનને હથિયાર આપી શકે છે અથવા પ્રતિબંધો વચ્ચે ઈરાની ક્રૂડ ઓઇલ ખરીદીને તેને મદદ કરી રહ્યું છે.

હોર્મુઝ ચીન માટે પણ અગત્યનું

ઈરાનનું સંકટ ચીન માટે પણ ગંભીર છે, કારણ કે બેઇજિંગ પશ્ચિમ એશિયામાંથી મોટા પાયે ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જો હોર્મુઝ સ્ટ્રેટમાં તેલની અવરજવર ખોરવાય તો ચીનની અર્થવ્યવસ્થા પર સીધી અસર પડી શકે છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, જિનપિંગે અમેરિકા અને ઈરાન બંનેને વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવા અને જૂનમાં બનેલા સમજૂતીના માળખા આધારે વિવાદ ઉકેલવા આહવાન કર્યું હતું.

વેપારમાં અસ્થાયી રાહત

આ મુલાકાતનું સૌથી નક્કર પરિણામ વેપાર મોરચે જોવા મળ્યું. બંને દેશોએ અગાઉથી ચાલી રહેલા ટ્રેડ સીઝફાયરને આગળ વધારવા પર સહમતિ દર્શાવી. જોકે આ કોઈ નવો વ્યાપક વ્યાપારિક કરાર નહોતો.

AI પર અપેક્ષાઓ અધૂરી

વિશ્વભરમાં AI સુરક્ષાને લઈને ચિંતા છે ત્યારે આ સમિટમાંથી ઘણી અપેક્ષાઓ હતી. જિનપિંગે આગ્રહ રાખ્યો કે માનવજાતના હિત માટે AIનો વિકાસ માણસોના નિયંત્રણમાં રહેવો જોઈએ. કટોકટીના સમયે સંપર્ક જાળવવાના માળખા પર ચર્ચા થઈ, પણ AIની ખતરનાક સ્પર્ધા રોકવા માટે કોઈ મોટી વ્યવસ્થા કે નિયંત્રણની જાહેરાત થઈ નથી.

ટ્રમ્પે વ્હાઈટ હાઉસ બતાવ્યું

જિનપિંગની સ્ટેટ વિઝિટના બીજા દિવસે ટ્રમ્પે તેમને મિત્ર ગણાવીને વ્હાઈટ હાઉસમાં ફેરવ્યા. તેમણે 50 કરોડનું હેલિપેડ અને યુએસ નેશનલ આર્કાઈવ્સમાં અમેરિકન બંધારણ તથા સ્વતંત્રતાની જાહેરાત સહિતના ઐતિહાસિક દસ્તાવેજો બતાવ્યા. ટ્રમ્પે જિનપિંગ સમક્ષ અમેરિકાની તાકાત અને વૈભવનો દેખાવો પણ કર્યો.

તાઇવાન મુદ્દે લક્ષ્મણ રેખા

તાઇવાન મુદ્દે ચીને પોતાની 'લક્ષ્મણ રેખા' સ્પષ્ટ કરી, પરંતુ અમેરિકાએ પીછેહઠના કોઈ સંકેત આપ્યા નથી. આ મુદ્દે પણ બંને વચ્ચે કોઈ ઠોસ સમજૂતી થઈ શકી નથી.

એકંદરે, આ ત્રણ દિવસીય બેઠકમાં ઘણા વિષયો પર ચર્ચા થઈ, પણ વેપાર સિવાય કોઈ મોટા પરિણામ સામે આવ્યા નથી. આથી વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધોમાં આગામી સમયમાં કેવી દિશા રહેશે તે અંગે અનિશ્ચિતતા યથાવત્ છે.