દિલ્હીના ભારત મંડપમમાં 12 અને 13 સપ્ટેમ્બરે બ્રિક્સ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં રશિયા, ચીન સહિત કુલ 11 દેશોના વડાઓ ભારતના આમંત્રણથી દિલ્હી આવ્યા હતા. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો સમાવેશ થતો હતો.
આ સમિટ દરમિયાન 12મી સપ્ટેમ્બરે શનિવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશોના વડાઓ માટે ગાલા ડિનર રાખ્યું હતું. પરંતુ આ ગાલા ડિનરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગયા ન હતા.
જિનપિંગ ગાલા ડિનરમાં કેમ ગયા નહીં તે અંગે બે કારણો સામે આવી રહ્યાં છે. પ્રથમ, તેઓ ચીનથી લાંબી મુસાફરી કરીને સીધા સમિટમાં પહોંચ્યા હતા અને આખો દિવસ મીટિંગમાં વ્યસ્ત રહેતાં તેઓ થાકી ગયા હતા. બીજું કારણ એ છે કે શનિવારે સાંજે 6 વાગ્યે ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ બેઠકમાં ભારતે અરૂણાચલ પ્રદેશમાં ચીની ઘૂસણખોરીનો મુદ્દો કડક રીતે ઉઠાવ્યો હતો. આ બાબતથી જિનપિંગ ખુશ નહોતા, તેથી ડિનરમાં ગયા ન હતા.
બ્રિક્સ સમિટના આ ગાલા ડિનરમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ હતું, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ આ બંને ગાલા ડિનરમાં ગયા ન હતા. અબુધાબીના ક્રાઉન પ્રિન્સે રાત રોકાવાનું ન હોતું, તે શનિવારે સાંજે જ પરત ફરી ગયા હતા.
આ મામલે ચીન કે ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ સૂત્રો પ્રમાણે, જિનપિંગ 12 સપ્ટેમ્બરે સવારે દિલ્હી પહોંચ્યા હતા. બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ સાંજે 6 વાગ્યેની દ્વિપક્ષીય બેઠક પછી તેઓ થાકી ગયા હતા અને આરામ કરવા રૂમમાં ગયા હતા. સમિટ દરમિયાન જિનપિંગની તબિયત થોડી ખરાબ લાગતી હતી, ત્યારે મોદીએ ભાષણ વચ્ચે અટકીને તેમને પૂછ્યું હતું કે તમે ઠીક છોને?
આ દ્વિપક્ષીય બેઠકમાં ભારતે ચીનને કડક રીતે જણાવ્યું હતું કે, ભારત-ચીન સરહદ પરનો તણાવ ચલાવી લેવાશે નહીં. ભારતની ભૂમિ અરૂણાચલ પ્રદેશમાં ચીની ઘૂસણખોરી સહન કરવામાં આવશે નહીં. ભારત અને ચીન વચ્ચે વેપાર સારો ચાલે છે, પરંતુ જ્યાં સુધી સીમા વિવાદ ચાલુ રહેશે ત્યાં સુધી અન્ય કોઈ મુદ્દે સમાધાન શક્ય નથી. આ સાંભળીને જિનપિંગ નારાજ થયા હતા અને તેમણે કહ્યું કે, સીમા પર જે ચાલતું હોય તે ચાલવા દો, તે અલગ મુદ્દો છે. આપણા વેપાર પર સરહદ વિવાદની અસર ન પડવી જોઈએ.
ત્યારે ભારતે ફરી કહ્યું કે, એવું ન થાય. પહેલા અરૂણાચલ મુદ્દે વાત થાય, પછી બીજી વાત. આ સાંભળીને જિનપિંગ નારાજ થયા હતા. તે સાંજે 7 વાગ્યે હોટેલના રૂમ પર જવા રવાના થઈ ગયા હતા અને રાત્રે 9 વાગ્યે ગાલા ડિનરમાં આવ્યા ન હતા. રવિવારે 13 તારીખે બપોરે જિનપિંગ ચીન જવા રવાના થઈ ગયા હતા.
અરૂણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરી અંગે 30 જૂન, 2026ના રોજ ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં સમાચાર પ્રકાશિત થયા હતા. અરૂણાચલથી રિપોર્ટર સુકૃતા બરૂઆએ લખ્યું હતું કે અપર સુવાસરી જિલ્લાના તાકસિંગ વિસ્તારમાં ચીની કેમ્પ બની રહ્યા છે. જ્યાં આ કેમ્પ બની રહ્યા છે તે ભારતનો વિસ્તાર છે. ચીને અરૂણાચલના ઘણા વિસ્તારોમાં પગપેસારો કરી દીધો છે. ચીને ભારતની ઘણી જમીનો પર આર્મી કેમ્પ, રસ્તા અને પુલ બનાવી લીધા છે. આ માટે 'સેવ અરૂણાચલ, સેવ તાકસિંગ' કમિટિ પણ બની છે, જે આંદોલન ચલાવી રહી છે.
આ ઘટના બહાર આવ્યા પછી કોંગ્રેસે 13 ઓગસ્ટે લેખિત નિવેદન બહાર પાડ્યું હતું કે અમે ચિંતિત છીએ કે ચીન ભારતના પેટ્રોલિંગ પોઈન્ટ સુધી ભારતીયોને જવા દેતું નથી. ઈન્ડિયન આર્મીના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ માર્ચ મહિનામાં માહિતી આપી હતી કે ચીન આ સરહદીય વિસ્તારમાં 628 ગામ બનાવી રહ્યું છે.
14 ઓગસ્ટે મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે ટ્વિટ કર્યું હતું અને 15 ઓગસ્ટે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે શી જિનપિંગ સપ્ટેમ્બરમાં ભારત આવવાના છે ત્યારે મોદીએ આ મુદ્દે વાત કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે મોદીએ દ્વિપક્ષીય બેઠકમાં આ મુદ્દો ખૂબ કડક રીતે મૂક્યો હતો.