નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે અલગથી દ્વિપક્ષીય બેઠક થઈ. આ બેઠક લગભગ 50 મિનિટ ચાલી. ગલવાન ઘટના પછી જિનપિંગની આ પ્રથમ ભારત મુલાકાત છે, જે લગભગ સાત વર્ષ બાદ થઈ છે.
બેઠકમાં બંને નેતાઓએ સહમતિ દર્શાવી કે મતભેદોને વિવાદમાં બદલવા ન જોઈએ અને બંને દેશો વચ્ચેના સંબંધો લાંબા સમય સુધી ચાલવા જોઈએ. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશોના સંબંધો ત્રણ ‘પરસ્પર સિદ્ધાંતો’ – સન્માન, સંવેદનશીલતા અને હિત સાથે જોડાયેલા હોવા જોઈએ.
આ મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. એક તસવીરમાં ત્રણ દેશોના નેતાઓ – ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન – હાથમાં હાથ અને ચહેરા પર સ્મિત સાથે જોવા મળે છે. આ તસવીરમાં મોદી વચ્ચે છે, ડાબે પુતિન અને જમણે જિનપિંગ છે. આ તસવીરને મહત્વની ગણવામાં આવી રહી છે કારણ કે ભારત અને ચીનને લાંબા સમયથી હરીફ તરીકે જોવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના સંબંધોમાં સુધારો થયો છે.
જિનપિંગ સાથે ચીનના એક અન્ય વરિષ્ઠ નેતા કાઈ શી પણ ભારત આવ્યા છે. કાઈ શી ચીની સત્તાના બીજા સૌથી મોટા નેતાઓમાં ગણાય છે. તેઓ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની સાત સભ્યોની સર્વોચ્ચ સમિતિ (પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટી)ના સભ્ય છે અને પાર્ટીના જનરલ ઓફિસના ડાયરેક્ટર તરીકે શી જિનપિંગના ‘ચીફ ઓફ સ્ટાફ’ સમાન ભૂમિકા નિભાવે છે.
કાઈ શીની મુખ્ય જવાબદારી ચીનની સમગ્ર વહીવટી પ્રણાલી, રાષ્ટ્રીય સુરક્ષા અને પાર્ટીના પ્રચાર તંત્રને નિયંત્રિત કરવાની છે. આ ઉપરાંત શી જિનપિંગની સુરક્ષા, તેમના દૈનિક કાર્યો અને દેશમાં પાર્ટીની વિચારધારાને સખત રીતે લાગુ કરાવવાની જવાબદારી પણ તેમની પાસે છે. કાઈ શી પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ ઓફિસના પ્રમુખ છે. આ ઓફિસ મોટા નેતાઓની બેઠકો, જરૂરી દસ્તાવેજો અને માહિતી સંબંધિત કાર્યો સંભાળે છે. આ જ કારણસર તેમને શી જિનપિંગના ‘ડી ફેક્ટો ચીફ ઓફ સ્ટાફ’ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, 2019માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની છેલ્લી ભારત મુલાકાત વખતે તમિલનાડુના ઐતિહાસિક દરિયાકાંઠાના શહેર મામલ્લપુરમ (મહાબલીપુરમ)માં વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ પંચ રથ અને શોર મંદિર જેવા પ્રાચીન સ્મારકોની મુલાકાત લીધી હતી અને દ્વિપક્ષીય સંબંધો પર અનૌપચારિક વાતચીત કરી હતી. તે સમયે બંને દેશોએ વેપાર ખાધ ઘટાડવા, પરસ્પર વિશ્વાસ વધારવા અને સરહદ પર શાંતિ જાળવવા માટે ઉચ્ચ સ્તરીય તંત્ર સ્થાપિત કરવા પર સહમતિ દર્શાવી હતી.
આ અગાઉ 2016માં ગોવામાં યોજાયેલી બ્રિક્સ સમિટ પહેલાં પણ જિનપિંગ, મોદી અને પુતિન ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. જિનપિંગ આ વખતે પાલમ એરપોર્ટથી તેમની ખાસ હોંગકી N701 કારમાં રવાના થયા હતા. લગભગ 18 ફૂટ (5.5 મીટર) લાંબી આ સ્ટેટ લિમોઝિન ખાસ જિનપિંગ માટે તૈયાર કરવામાં આવી છે.
આ સમિટમાં બ્રિક્સના સંયુક્ત નિવેદનમાં પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી હતી અને આતંકવાદને ધિરાણ રોકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું કે આતંકવાદીઓને આશ્રય આપનારાઓ સામે સાથે મળીને કાર્યવાહી કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ બ્રિક્સ સમિટને સંબોધતા કહ્યું હતું કે બ્રિક્સ કોઈના વિરુદ્ધ નથી, પરંતુ બધાને સાથે લઈને ચાલવાનું મંચ છે.