સત્ય. સાહસ. સંકલ્પ.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ પછી ભારત આવશે, 48 કલાકના મૌન પાછળની વ્યૂહરચના

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ પછી ભારત આવશે, 48 કલાકના મૌન પાછળની વ્યૂહરચના

નવી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભાગ લેશે. શિખર સંમેલનના મુખ્ય કાર્યક્રમની શરૂઆતના 48 કલાક પહેલાં જ બેજિંગે આ જાહેરાત કરી. 12 અને 13 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત મંડપમ ખાતે યોજાનારી આ મુલાકાતને ચીનની વ્યૂહરચનાનો ભાગ ગણવામાં આવે છે.

ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. આ પુષ્ટિના થોડા કલાકો પહેલાં જ બેજિંગમાં એક પત્રકાર પરિષદમાં પ્રવક્તાએ મુલાકાત અંગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અન્ય નેતાઓની હાજરી અગાઉથી નક્કી હતી, પરંતુ ચીનના મૌનને કારણે અટકળો વધી હતી કે જિનપિંગ રૂબરૂ આવવાને બદલે કોઈ પ્રતિનિધિને મોકલશે.

જિનપિંગની આ ભારત મુલાકાત 7 વર્ષ બાદ થઈ રહી છે. અગાઉ તેમણે 2019માં મહાબલિપુરમમાં અનૌપચારિક શિખર સંમેલન માટે મુલાકાત લીધી હતી. ત્યારબાદ 2020માં ગલવાન ખીણમાં થયેલા સૈન્ય તણાવને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો લાંબા સમય સુધી ખરાબ રહ્યા. તેથી આ મુલાકાત બ્રિક્સ માટે જ નહીં, પરંતુ ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં પણ મહત્ત્વની છે.

નિષ્ણાતોના મતે, આ મુલાકાતની જાહેરાતમાં થયેલું મોડું એ માત્ર તૈયારીઓનો અભાવ ન હતો, પરંતુ તે ચીનની સુઆયોજિત વ્યૂહનીતિનો ભાગ છે.

વાટાઘાટોનો એજન્ડા નક્કી કરવો: ચીન હંમેશા એજન્ડા ફાઈનલ થયા પછી જ મોટી જાહેરાતો કરે છે. શનિવારે સમિટની સાથે જ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે અલગ બેઠક યોજાશે તેવી સંભાવના છે. છેલ્લી ઘડી સુધી મૌન રહીને ચીને સરહદ વિવાદ, વેપાર અસંતુલન, રોકાણ અને લોકોની અવરજવર જેવા સંવેદનશીલ વિષયો પર ચર્ચા માટેનો એજન્ડા નક્કી કરવાનો સમય મેળવી લીધો. જો વહેલી જાહેરાત કરી હોત તો મીડિયાની અટકળો અને દબાણ વધી ગયું હોત.

મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ન ભટકે તે માટે: હવે બ્રિક્સ માત્ર 5 દેશોનું નથી, પરંતુ 11 સભ્યોનું મોટું જૂથ છે. જેમાં ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પણ જોડાયા છે. આ ઉપરાંત અન્ય આમંત્રિત દેશો પણ છે. ચીન નહોતું ઈચ્છતું કે ભારત-ચીન વિવાદ સમગ્ર સમિટ પર છવાઈ જાય અને વેપાર, વૈશ્વિક શાસન, ડિજિટલ અર્થતંત્ર અને ઊર્જા જેવા મહત્ત્વપૂર્ણ બહુપક્ષીય મુદ્દાઓ પાછળ રહી જાય.

ચીનનો પ્રોટોકોલ: પશ્ચિમી દેશો પ્રવાસના મહિનાઓ પહેલા જ તેની તારીખો જાહેર કરી દે છે, પરંતુ ચીન આવું કરતું નથી. દક્ષિણ અમેરિકા અને મધ્ય એશિયાની મુખ્ય પરિષદોમાં પણ બેઇજિંગે છેલ્લી ઘડીએ જ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિના પ્રવાસના થોડા દિવસો પહેલા જ જાહેરાત કરવી એ ચીનની સામાન્ય પ્રક્રિયા છે.

સુરક્ષા વ્યવસ્થા: શી જિનપિંગની આસપાસ સુરક્ષા કવચ અત્યંત કડક હોય છે. ચીનનું રાષ્ટ્રીય મીડિયા હવાઈ મુસાફરી, રહેઠાણ, પરિવહન અને તમામ ગ્રાઉન્ડ સુરક્ષા વ્યવસ્થાની વિગતો છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખે છે.