સત્ય. સાહસ. સંકલ્પ.

શી જિનપિંગની 7 વર્ષ બાદ ભારત મુલાકાત: BRICS સમિટ પહેલા ચીનનું મોટું નિવેદન

શી જિનપિંગની 7 વર્ષ બાદ ભારત મુલાકાત: BRICS સમિટ પહેલા ચીનનું મોટું નિવેદન

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ શનિવારે નવી દિલ્હી પહોંચશે. લગભગ 7 વર્ષ બાદ તેમની આ પ્રથમ ભારત મુલાકાત હશે. તેઓ BRICS સમિટમાં ભાગ લેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે આ મુલાકાત અંગે સત્તાવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે કઝાન અને તિયાનજિન પછી આ સતત ત્રીજું વર્ષ હશે જ્યારે બંને નેતાઓ આમને-સામને મળશે.

ચીનના પ્રવક્તાએ કહ્યું, "ચીન બંને નેતાઓના માર્ગદર્શન હેઠળ ભારત સાથે કામ કરવા સંપૂર્ણપણે તૈયાર છે. સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના નજરિયાથી સંભાળવામાં આવશે. મતભેદો ઉકેલવા વાતચીત અને સહયોગને પ્રાથમિકતા અપાશે. બંને દેશો એકબીજાને મદદરૂપ બનતા સારા પડોશી અને સાચા ભાગીદાર તરીકે આગળ વધે તેવો ચીનનો પ્રયાસ રહેશે."

BRICS સમિટ અંગે ચીની પ્રવક્તાએ ઉમેર્યું, "આ મંચ ઉભરતા બજારો અને વિકાસશીલ દેશોની એકતાનું મુખ્ય માધ્યમ બની ગયું છે. શરૂઆતથી જ આ સંગઠન નિષ્પક્ષતા, સમાન વિકાસ અને પારસ્પરિક લાભની ભાવના પર કામ કરી રહ્યું છે. વર્તમાન સમયમાં આ મંચ ગ્લોબલ સાઉથના પ્રબળ અવાજ તરીકે ઉભરી આવ્યું છે અને ચીન આ સહયોગને અત્યંત મહત્વપૂર્ણ ગણે છે."

આ મુલાકાત બંને એશિયન શક્તિઓ વચ્ચેના સંબંધો સુધારવા અને વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે BRICS સહયોગ મજબૂત કરવા મહત્વની માનવામાં આવે છે. આ પહેલાં 2014માં દિલ્હી, 2016માં ગોવા અને 2019માં મામલ્લાપુરમ ખાતે બેઠકો યોજાઈ ચૂકી છે. 2020માં પૂર્વી લદ્દાખ સરહદ વિવાદ બાદ સંબંધો સામાન્ય બનાવવાની દિશામાં આ મુલાકાત નિર્ણાયક સાબિત થઈ શકે છે.