સત્ય. સાહસ. સંકલ્પ.

વોડાફોનમાં 16.2% હિસ્સો ખરીદવા ઝેવિયર નીલને CCIની મંજૂરી, ભારતમાં એન્ટ્રી

વોડાફોનમાં 16.2% હિસ્સો ખરીદવા ઝેવિયર નીલને CCIની મંજૂરી, ભારતમાં એન્ટ્રી

ભારતીય સ્પર્ધા આયોગ (CCI)એ ફ્રાન્સના ઉદ્યોગપતિ ઝેવિયર નીલને વોડાફોન ગ્રૂપમાં 16.2 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. ઝેવિયર નીલ પોતાની કંપની વેગા SAS (Vega SAS) મારફતે આ હિસ્સો ખરીદી રહ્યા છે. વેગા SASની ભારતમાં સીધી કોઈ વ્યાવસાયિક હાજરી નથી. વોડાફોનમાં હિસ્સેદારી ખરીદવાથી નીલની ભારતમાં એન્ટ્રી થશે.

ઝેવિયર નીલની ગણતરી વિશ્વના સૌથી પ્રભાવશાળી ટેક્નોલોજી ઉદ્યોગપતિઓમાં થાય છે. તેઓ વિશ્વના 211મા સૌથી ધનિક વ્યક્તિ છે. માત્ર 25 વર્ષની ઉંમરે પોતાની કંપની શરૂ કરનારા નીલ હાલમાં આશરે ₹1.33 લાખ કરોડની સંપત્તિના માલિક છે. ફ્રાન્સના ટેલિકોમ ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવવા માટે તેઓ જાણીતા છે. તેમનો વેપાર ફ્રાન્સ ઉપરાંત ઇટાલી, પોલેન્ડ અને આયર્લેન્ડ સહિત અનેક દેશોમાં ફેલાયેલો છે.

ઝેવિયર નીલે 1993માં, 25 વર્ષની ઉંમરે, ફ્રાન્સના પ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISP) પૈકીની એક કંપની ‘વર્લ્ડનેટ’ની સ્થાપના કરી હતી. સાત વર્ષ સુધી સફળતાપૂર્વક કંપની ચલાવ્યા બાદ તેમણે 2000માં તેને આશરે 50 મિલિયન ડોલરમાં વેચી દીધી હતી. ત્યારબાદ તેમણે ટેલિકોમ ગ્રૂપ ‘ઇલિયાડ’ (Iliad)ની સ્થાપના કરી અને તેના હેઠળ ‘ફ્રી’ (Free) બ્રાન્ડ શરૂ કરી હતી. 2002માં તેમણે ‘ફ્રીબોક્સ’ (Freebox) સેવા રજૂ કરી હતી, જેણે મલ્ટી-સર્વિસ બ્રોડબેન્ડ ક્ષેત્રનો ચહેરો બદલી નાખ્યો હતો.

2012માં તેમણે ફ્રાન્સમાં ‘ફ્રી મોબાઇલ’ (Free Mobile) શરૂ કર્યું હતું. કંપનીએ ખૂબ જ ઓછા દરે અનલિમિટેડ કોલિંગ અને ડેટા સેવાઓ આપીને ફ્રાન્સના મોબાઇલ બજારમાં મોટું પરિવર્તન લાવ્યું હતું. ત્યારબાદ ઝેવિયર નીલે ટેલિકોમ નેટવર્કનો વિસ્તાર ઇટાલી (Iliad Italia), પોલેન્ડ અને આયર્લેન્ડ સુધી કર્યો હતો. 2014માં તેમણે 2.9 અબજ ડોલરમાં ‘ઓરેન્જ સ્વિટ્ઝર્લેન્ડ’નું અધિગ્રહણ કરીને તેનું નામ બદલીને ‘સોલ્ટ’ (Salt) રાખ્યું હતું. આ ઉપરાંત તેમની પાસે ‘મોનાકો ટેલિકોમ’ની માલિકી પણ છે.

વ્યવસાય ઉપરાંત ઝેવિયર નીલ યુવાનો અને નવા ઉદ્યોગસાહસિકોને આગળ વધારવા માટે પણ જાણીતા છે. તેમણે પેરિસમાં ‘સ્ટેશન F’ (Station F)ની સ્થાપના કરી હતી. આજે તેને વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર કેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં એક જ સ્થળે હજારો સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. આ ઉપરાંત કોડિંગ અને સોફ્ટવેર એન્જિનિયરિંગનું શિક્ષણ દરેક વર્ગના લોકો સુધી પહોંચાડવાના હેતુથી તેમણે ‘એકોલ 42’ (École 42) નામની નિઃશુલ્ક કોડિંગ સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થાની ખાસિયત એ છે કે, અહીં ના તો પરંપરાગત શિક્ષકો હોય છે કે ના તો કોઈ ફી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ એકબીજા પાસેથી શીખવાની પદ્ધતિ (Peer-to-Peer Learning) દ્વારા ટેક્નોલોજીનું જ્ઞાન મેળવે છે.