વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના આગામી ચક્રમાં હાલની 9 ટીમોને બદલે 12 ટીમો સામેલ થઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગે સંકેત આપ્યો છે કે 2029-31ની WTCમાં ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનને સામેલ કરવાની તૈયારી છે. આ ઉપરાંત, એક મેચની ટેસ્ટ સિરીઝને પણ WTC પોઈન્ટ્સમાં સામેલ કરવાનો વિચાર છે. આ નિર્ણય આવતા મહિને બાલીમાં યોજાનારી ICC બેઠકોમાં લેવાય તેવી શક્યતા છે.
હાલની WTC 2019થી 9 ટીમો સાથે રમાઈ રહી છે. દરેક ટીમ બે વર્ષમાં 6 ટેસ્ટ સિરીઝ રમે છે, જેમાંથી 3 ઘરઆંગણે અને 3 વિદેશી ધરતી પર હોય છે. હાલમાં WTC સિરીઝમાં ઓછામાં ઓછી 2 ટેસ્ટ હોવી જરૂરી છે. ગ્રીનબર્ગે દુબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી.
12 ટીમોના મોડેલની જરૂર કેમ? ગ્રીનબર્ગના જણાવ્યા અનુસાર, ટેસ્ટ રમતા દરેક દેશને WTCમાં સ્થાન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ તેમનું માનવું છે કે આ મોડેલ લાંબા સમય સુધી આર્થિક રીતે કેટલું ટકાઉ રહેશે, તે મોટો પ્રશ્ન છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો ICC પાસેથી મળતી આવક વર્તમાન સ્તરે નહીં રહે અથવા બોર્ડ પોતાના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP)માંથી પૂરતી કમાણી નહીં કરી શકે, તો સતત આવક કરતાં વધુ ખર્ચ કરવો શક્ય નહીં બને. આ સમસ્યા વૈશ્વિક ક્રિકેટના કેટલાક ભાગોમાં પહેલેથી જ જોવા મળી રહી છે.
ટેસ્ટ ક્રિકેટ મોંઘું છે, ફક્ત 11 ખેલાડીઓ એકત્ર કરવું પૂરતું નથી. ગ્રીનબર્ગનો તર્ક ફક્ત મેચ યોજવાના ખર્ચ સુધી મર્યાદિત નથી. તેમના મતે કોઈ દેશ માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનો વાસ્તવિક ખર્ચ સમગ્ર સિસ્ટમ તૈયાર કરવામાં છે. રેડ-બોલ ક્રિકેટરો તૈયાર કરવા માટે સ્થાનિક માળખું, ખેલાડી વિકાસ અને લાંબા ગાળાની વ્યવસ્થા જરૂરી છે.
તેમનું માનવું છે કે આવનારા સમયમાં કેટલાક સભ્ય દેશો ટેસ્ટ ક્રિકેટ રમવાનું બંધ કરી શકે છે. કેટલાક દેશોને પોતાના ઘરઆંગણેની મેચો કરતાં વિદેશી ધરતી પર વધુ ટેસ્ટ રમવી પડી શકે છે, જેથી તેમના ત્યાં ટેસ્ટ ક્રિકેટ સંપૂર્ણપણે સમાપ્ત ન થઈ જાય. આ જ કારણસર ગ્રીનબર્ગે હાલની હોમ-એન્ડ-અવેની સમાન વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ પરંપરાગત વ્યવસ્થા કેટલાક દેશોને આર્થિક રીતે નુકસાન પહોંચાડી શકે છે.
ઓસ્ટ્રેલિયા ભવિષ્યમાં સાઉથ આફ્રિકા સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવા માગે છે. જોકે બંને દેશોના ક્રિકેટ કેલેન્ડરમાં એક જ સમયે ડોમેસ્ટિક સીઝન હોવાને કારણે આ સરળ નથી. પાકિસ્તાન પણ ઓસ્ટ્રેલિયા માટે લાંબી ટેસ્ટ સિરીઝનો વિકલ્પ બની શકે છે. ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાની પ્રવાસીઓની મોટી વસતિને ધ્યાનમાં રાખીને ગ્રીનબર્ગે તેને વ્યાપારી રીતે ઉપયોગી ગણાવ્યું. પાકિસ્તાન ડિસેમ્બર 2027માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જ્યાં 3 ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ ફેબ્રુઆરી 2028માં શ્રીલંકાના પ્રવાસનો પ્રસ્તાવ છે.
ઓસ્ટ્રેલિયાએ 2022-23માં સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું હતું. બ્રિસ્બેન ટેસ્ટ 2 દિવસમાં પૂરી થઈ, મેલબર્નમાં ઇનિંગ્સ અને 182 રનથી જીત મળી, જ્યારે સિડની ટેસ્ટ ડ્રો રહી હતી.
વન-ડેને પણ બચાવવાનો પ્રયાસ: ગ્રીનબર્ગે વનડે ક્રિકેટના ભવિષ્ય વિશે પણ વાત કરી. દુબઈમાં મલ્ટિલેટરલ ટુર્નામેન્ટના વિચાર પર ચર્ચા થઈ. તેમાં એક સૂચન ઇન્ટરકોન્ટિનેન્ટલ કપનું પણ હતું, જેમાં અલગ-અલગ ખંડોની ટોચની ટીમ આમને-સામને આવી શકે છે. ગ્રીનબર્ગ મુજબ હાઈ પરફોર્મન્સ સાથે જોડાયેલા લોકો વન-ડેને ખેલાડીઓના પ્રતિભા વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માને છે. જ્યારે ICC સ્તરે વન-ડે વર્લ્ડ કપને વૈશ્વિક ક્રિકેટની વ્યાવસાયિક કમાણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાનું આગામી ટેસ્ટ FTP લગભગ નક્કી: ઓસ્ટ્રેલિયાનું 2027-31નું ઘરેલું ટેસ્ટ ફ્યુચર ટૂર પ્રોગ્રામ પણ લગભગ નક્કી થઈ ચૂક્યું છે. 2027-28માં પાકિસ્તાન અને શ્રીલંકા બાદ 2028-29માં ભારત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. ત્યારબાદ 2029-30માં ઇંગ્લેન્ડ આવશે. 2030-31ની ઘરેલું સીઝન માટે પ્રતિસ્પર્ધી ટીમ હજુ નક્કી થઈ નથી.