સત્ય. સાહસ. સંકલ્પ.

WPL 2027 હરાજી: 146 ખેલાડીઓ, પણ માત્ર 27 સ્લોટ — BCCIએ જાહેર કરી પૂરી યાદી

WPL 2027 હરાજી: 146 ખેલાડીઓ, પણ માત્ર 27 સ્લોટ — BCCIએ જાહેર કરી પૂરી યાદી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 2027 સીઝન માટે ખેલાડીઓની હરાજીની ફાઈનલ યાદી જાહેર કરી છે. આ હરાજી 28 ઓક્ટોબરે કેરળના કોચી શહેરમાં સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.

આ વખતે હરાજીમાં કુલ 146 ખેલાડીઓના નામ બોલી માટે મૂકવામાં આવ્યા છે. જોકે, પાંચેય ફ્રેન્ચાઈઝી પાસે મળીને કુલ 27 સ્લોટ જ ખાલી છે. એટલે કે એક સ્લોટ માટે સરેરાશ પાંચ ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા રહેશે.

આ 146 ખેલાડીઓમાં 119 ભારતીય છે. તેમાં 22 કેપ્ડ (આંતરરાષ્ટ્રીય મેચ રમેલા) અને 97 અનકેપ્ડ ખેલાડી સામેલ છે. વિદેશી ખેલાડીઓની સંખ્યા 27 છે, જેમાં એસોસિયેટ દેશોના 6 ખેલાડી પણ છે. વિદેશી ખેલાડીઓમાં 14 કેપ્ડ અને 13 અનકેપ્ડ છે.

27 સ્લોટમાંથી 20 સ્લોટ ભારતીય ખેલાડીઓ માટે અને બાકીના 7 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.

ખેલાડીઓની બેઝ પ્રાઈસ રૂપિયા 10 લાખથી 50 લાખ સુધી નક્કી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની સોફિયા ડંકલી અને ઓસ્ટ્રેલિયાની સોફી મોલિન્યુએ સૌથી વધુ રૂપિયા 50 લાખની બેઝ પ્રાઈસ સાથે નામ નોંધાવ્યું છે.

ભારતની જી. કમાલિની અને કિરણ નવગિરે, તેમજ વિદેશી સ્ટાર્સ હીથર ગ્રેહામ અને જેસ જોનાસેન રૂપિયા 40 લાખની બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં ઉતરશે. અન્ય 30 ખેલાડીઓની બેઝ પ્રાઈસ રૂપિયા 30 લાખ છે. બાકીના ખેલાડીઓ રૂપિયા 20 લાખ અને રૂપિયા 10 લાખની કેટેગરીમાં છે.

ગયા વર્ષે WPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ કેપ્ટન સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં ટાઈટલ જીત્યું હતું. ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન જેમિમાહ રોડ્રિગ્સે 57 રન ફટકાર્યા હતા. જવાબમાં બેંગ્લોરે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. સ્મૃતિ મંધાનાએ 87 રનની ઈનિંગ રમી હતી.