ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહિલા પ્રીમિયર લીગ (WPL) 2027ની આગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી માટે સત્તાવાર યાદી જાહેર કરી છે. આ મેગા ઓક્શન 28 ઓક્ટોબરે કેરળના કોચી ખાતે સાંજે 5:30 વાગ્યે યોજાશે. કુલ 146 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, પરંતુ ટૂર્નામેન્ટની પાંચેય ટીમો પાસે મળીને માત્ર 27 સ્લોટ્સ જ ખાલી છે. આથી 27 જગ્યાઓ માટે 146 ખેલાડીઓ વચ્ચે તીવ્ર હરીફાઈ જોવા મળશે.
ઓક્શન પૂલમાં 119 ભારતીય અને 27 વિદેશી ખેલાડીઓ સામેલ છે. ભારતીય ખેલાડીઓમાં 22 કેપ્ડ અને 97 અનકેપ્ડ પ્લેયર્સનો સમાવેશ થાય છે. વિદેશી ખેલાડીઓની યાદીમાં એસોસિયેટ દેશોના 6 પ્લેયર્સ પણ છે, જેમાં 14 કેપ્ડ અને 13 અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ થાય છે. પાંચેય ફ્રેન્ચાઈઝી પાસે ઉપલબ્ધ કુલ 27 સ્લોટ્સમાંથી 20 જગ્યાઓ ભારતીય ખેલાડીઓ માટે અને માત્ર 7 સ્લોટ્સ વિદેશી ખેલાડીઓ માટે ખાલી છે.
હરાજીમાં ખેલાડીઓને 10 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીના બેઝ પ્રાઈઝ સ્લેબમાં વહેંચવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડની સોફિયા ડંકલી અને ઓસ્ટ્રેલિયાની સોફી મોલિનક્સ 50 લાખ રૂપિયાની સર્વોચ્ચ બેઝ પ્રાઈઝ સાથે મેદાનમાં છે. જ્યારે જી કમલિની, કિરણ નવગીરે, હીથર ગ્રેહામ અને જેસ જોનાસને પોતાની બેઝ પ્રાઈઝ 40 લાખ રૂપિયા રાખી છે. આ ઉપરાંત 30 ખેલાડીઓએ 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે બાકીના ખેલાડીઓ 20 લાખ અને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ કેટેગરીમાં સામેલ છે.
આ ઓક્શનમાં પાંચેય ટીમો પોતાના બાકી બચેલા પર્સ અને જરૂરિયાત મુજબ યોગ્ય ખેલાડીઓ પર દાવ લગાવશે, જેથી ટીમનું સંતુલન શ્રેષ્ઠ બની શકે. ગયા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ચેમ્પિયનશિપ જીતી હતી.