હમણાં તમે ત્રીજા વિશ્વયુદ્ધ વિશે ક્યાંક વાંચ્યું, સાંભળ્યું કે કોઈ વીડિયો જોયો હશે. આવું એટલા માટે કે, 8 દેશ અત્યારે સીધા યુદ્ધ લડી રહ્યા છે. દુનિયામાં 29 જગ્યાઓ પર નાનાં-મોટાં યુદ્ધ કે સંઘર્ષના છમકલાં ચાલી રહ્યાં છે.
તો શું એવું માની શકાય કે ત્રીજું વિશ્વયુદ્ધ લોડિંગ સ્ટેજમાં છે? શું દુનિયા તેના માટે તૈયાર છે? આવું ન થાય તેના માટે યુએન બન્યું, પણ તે કેમ મૂકપ્રેક્ષક છે? યુએનની પ્રસ્તુતતા કેટલી છે? આ યુદ્ધોની આપણા પર શું અસર થઈ રહી છે? ચાલો વિગતે વાત કરીએ.
દુનિયાભરના 49 વિસ્તારોમાં અત્યારે કોઈને કોઈ સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. યુક્રેનથી લઈને પશ્ચિમ એશિયાના અરબ પટ્ટા અને સુદાનથી લઈને દક્ષિણ ચીન સુધી આગ લાગેલી છે. આંકડાઓ પ્રમાણે, હાલ અમેરિકામાં 4, એશિયા કે પેસિફિક વિસ્તારોમાં 6, આફ્રિકામાં 10, અરબ પટ્ટામાં 7 અને યુરોપમાં 2 વિસ્તારોમાં સંઘર્ષો ચાલી રહ્યા છે.
દુનિયાના નકશા પર લાલ, કેસરી અને પીળો રંગ યુદ્ધ, સશસ્ત્ર સંઘર્ષ અને હિંસક અથડામણો ક્યાં ચાલે છે તે જણાવે છે. યુરોપથી લઈને મધ્યપૂર્વ, આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકા સુધીનો આ નકશો આજની વૈશ્વિક અસ્થિરતાનું ચિત્ર રજૂ કરે છે.
આવી હાલત એટલા માટે છે કારણ કે નિયમો બનાવનાર જ નિયમોનો કચ્ચરઘાણ વાળી રહ્યા છે. ઉદાહરણ તરીકે, બે અબજ લોકો પર અસર થઈ છે. અર્થતંત્રને વર્ષે 17 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે. 3 ટ્રિલિયન ડોલરનાં હથિયારો ખરીદાયા છે, જેમાં દર મિનિટે 46 કરોડ રૂપિયા ખર્ચાય છે. એટલે કે, પ્રત્યેક વ્યક્તિના 29 હજાર રૂપિયા.
"યુનાઈટેડ નેશન્સને લકવો લાગી ગયો છે" – આ શબ્દો ખુદ યુએનના વડાના છે. પણ આ બધું ન થાય, કોઈ બીજા દેશનો હિસ્સો કે જમીન પડાવી ન જાય એટલે યુએન બન્યું હતું. પણ ત્યાં વીટો પાવરનો એટલો ભયાનક દુરુપયોગ થઈ રહ્યો છે કે ખુદ યુએનના ચીફે માનવું પડ્યું કે સંસ્થાને લકવો લાગી ગયો છે. તો સવાલ થાય કે યુએન બન્યું શેના માટે હતું અને અત્યારે શું થયું છે?
1945માં દુનિયા પાસે બે વિશ્વયુદ્ધ અને કરોડો લોકોના મોતનો ભયાનક અનુભવ હતો. દુનિયામાં આવું ફરી ન થાય તેના માટે જ એક સંસ્થા બની, જેનું નામ યુનાઈટેડ નેશન્સ. તેનો આઈડિયા એવો હતો કે દેશો વચ્ચેનો ડખો જમીન પર નહીં પણ ટેબલ પર લાવવો. એ પણ અમુક આંતરરાષ્ટ્રીય નિયમોને માનીને. આ જ નિયમો પાવરફુલ દેશો નથી માની રહ્યા, જેના કારણે પાવર પોલિટિક્સના ચક્કરમાં યુએન પોલિયોગ્રસ્ત થઈ રહ્યું છે.
આજની તારીખ બહુ મહત્વની છે કારણ કે ન્યૂયોર્કની યુએન જનરલ એસેમ્બ્લીમાં દેશો અને તેના નેતાઓનો મેળાવડો જામ્યો છે. છેલ્લા સાતેક મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. જૂન મહિનામાં અમેરિકાએ ઈરાનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર બોમ્બમારો કર્યો હતો. છતાં આજે એ જ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાન એક જ છત નીચે ઊભા છે.
આજે પણ યુએન સૌથી મજબૂત પ્લેટફોર્મ છે. એ વાતની મનાહી નથી કે યુનાઈટેડ નેશન્સનો પાવર ઘટ્યો છે, પણ જ્યારે બે દેશો વચ્ચે ડખો ચાલુ હોય છતાં તે એક જ બિલ્ડિંગમાં આસપાસના ટેબલમાં દેખાય તો એ સાબિત કરે છે કે ગમે એટલા બોમ્બ પડે, પણ વાતચીત માટે હજુ પણ યુએન જ સૌથી મોટું પ્લેટફોર્મ છે. દુનિયાની સિસ્ટમમાંથી આને પૂરી રીતે બાયપાસ કરી શકાય એમ જ નથી. યુએન આજે પણ યુનિવર્સલ ડિપ્લોમેટિક પ્લેટફોર્મ છે, જ્યાં માનવીય મદદ, શાંતિનો સંદેશ, આંતરરાષ્ટ્રીય કાયદા અને રાજદ્વારી વિષયોનું મહત્વ છે. પણ તેની સામે બાજુ ટ્રમ્પ ઈરાનને ધમકાવી રહ્યા છે તો પઝેશ્કિયાન છાતી ઠોકીને કહી રહ્યા છે.
આ વર્લ્ડ જીઓપિલિટિક્સ સાંભળવામાં કદાચ જોજનો દૂરની લાગે, પણ તેની જ્વાળાની ગરમી આપણા રસોડા અને ખિસ્સા સુધી સીધી રીતે જોડાયેલી છે. જ્યારે રેડ સીમાં વિદ્રોહીઓ જહાજો પર હુમલા કરે છે, ત્યારે ભારતનો યુરોપ સાથેનો વેપાર મોંઘો થતો જાય છે. ક્રિટિકલ મટિરિયલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ક્રૂડ ઓઈલની સપ્લાય ચેન ખોરવાય છે. જેના લીધે ગુજરાત કે ભારતના વેપારીનું નૂર ભાડું રાતોરાત આસમાને પહોંચી જાય છે.
દુનિયા 2026ની, સિક્યોરિટી 1945ની – જૂની સિસ્ટમ ફેલ ગઈ છે અને નવી વ્યવસ્થાની જરૂર છે.