અમદાવાદ: વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા 'હરિત ઘર – સ્વસ્થ સમાજ' અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ ભાવેશ લાખાણીના નેતૃત્વમાં શરૂ થયેલી આ પહેલ હેઠળ 76,000 કિચન ગાર્ડનના રોપાના વિતરણનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોને પોતાના ઘરમાં શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાનો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ સાથે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. ઘર આંગણે કિચન ગાર્ડન વિકસાવવાથી નાગરિકો પર્યાવરણ સાથે વધુ નજીકથી જોડાઈ શકે અને રોજિંદા જીવનમાં હરિયાળી તથા સ્વસ્થ આહારની સંસ્કૃતિ વિકસાવી શકે તે દિશામાં અભિયાન કાર્ય કરશે.
આ પ્રસંગે કિચન ગાર્ડનના 76,000 રોપાના વિતરણના અનોખા અભિયાન માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ લાખાણીને આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત 35 જેટલા સ્ટાર્ટઅપનાં ઉત્પાદનો અને સેવાઓના પ્રદર્શન તથા વેચાણ માટે તૈયાર કરાયેલા સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ પ્લેટફોર્મ દ્વારા પર્યાવરણલક્ષી ઉકેલો અને નવીન પહેલો પર કામ કરતા યુવા ઉદ્યોગસાહસિકોને પોતાની કામગીરી રજૂ કરવાની તક મળી.
વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ લાખાણીએ સ્વાગત પ્રવચન કરતાં 'હરિત ઘર – સ્વસ્થ સમાજ' અભિયાન પાછળની વિચારધારા અને તેની વ્યાપક સામાજિક ઉપયોગિતા રજૂ કરી હતી.
સંસ્થાના મહામંત્રી સુધીર એસ. રાવલે અભિયાન અંગે વિગતવાર માહિતી આપી હતી અને કિચન ગાર્ડન દ્વારા પર્યાવરણ જાગૃતિ તથા સ્વસ્થ જીવનશૈલીને ઘર-ઘર સુધી પહોંચાડવાના હેતુને રેખાંકિત કર્યો હતો.
કાર્યક્રમમાં વિશ્વ ગુજરાતી સમાજના હોદ્દેદારો, સંસ્થા સાથે જોડાયેલા સભ્યો, પર્યાવરણ સંરક્ષક સ્ટાર્ટઅપ ચલાવતા યુવાનો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
'હરિત ઘર – સ્વસ્થ સમાજ' અભિયાન દ્વારા વિશ્વ ગુજરાતી સમાજ ઘર આંગણે હરિયાળી, સ્વસ્થ આહાર અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને એકસાથે જોડીને તેને વ્યાપક સામાજિક અભિયાનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.