સત્ય. સાહસ. સંકલ્પ.

વિશ્વ પર 34,675 લાખ કરોડનું દેવું, ભારતની સ્થિતિ શું?

વિશ્વ પર 34,675 લાખ કરોડનું દેવું, ભારતની સ્થિતિ શું?

વિશ્વભરના દેશો, કંપનીઓ અને પરિવારો મળીને કુલ 34,675 લાખ કરોડ રૂપિયાથી વધુના દેવા હેઠળ દબાયેલા છે. ખાસ કરીને વિકસિત દેશોના સરકારી બોન્ડ પર વાર્ષિક 313.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું વ્યાજ ચૂકવવું પડે છે. વ્યાજ પાછળ જંગી રકમ ખર્ચાઈ જતી હોવાથી આરોગ્ય, શિક્ષણ, પેન્શન અને જનકલ્યાણ યોજનાઓ માટે બજેટ ઘટી રહ્યું છે, જેના કારણે યુરોપના દેશોમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.

સરકારો કરવેરા સિવાય જ્યારે રસ્તા, રેલવે, હોસ્પિટલ કે સંરક્ષણ પાછળ ખર્ચ કરવા માંગે છે ત્યારે તે સરકારી બોન્ડ બહાર પાડીને બેંકો, વીમા કંપનીઓ અને સામાન્ય રોકાણકારો પાસેથી દેવું લે છે. ઉદાહરણ તરીકે, સરકાર 10 વર્ષ માટે 2.5% વાર્ષિક વ્યાજે 100 રૂપિયાનો બોન્ડ બહાર પાડે તો રોકાણકારને દર વર્ષે 2.50 રૂપિયા વ્યાજ મળે છે અને 10 વર્ષ પૂરા થતાં 100 રૂપિયાની મૂળ રકમ પરત મળે છે. ઘણી વખત જૂનું દેવું ચૂકવવા માટે પણ સરકારોને નવું દેવું લેવું પડે છે.

જ્યારે બજારમાં બોન્ડની કિંમતો ઘટે છે ત્યારે તેના પર વળતર (યીલ્ડ) વધી જાય છે, જેનાથી સરકાર માટે નવું દેવું લેવું મોંઘું બને છે. પરિણામે સરકારની આવકનો મોટો હિસ્સો માત્ર વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ જાય છે અને પ્રજાલક્ષી સુવિધાઓમાં કાપ મૂકવો પડે છે. જેમ સામાન્ય પરિવારમાં હોમ લોનના વ્યાજ વધતાં EMIનો બોજ વધે છે, તેવું જ સરકાર સાથે બને છે. હાલ ફ્રાન્સના 10 વર્ષના સરકારી બોન્ડની યીલ્ડ વધીને લગભગ 5% પહોંચી ગઈ છે, જ્યારે જર્મનીમાં તે 3.41% છે, એટલે કે ફ્રાન્સને દેવું મેળવવા ભારે વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે.

વિશ્વમાં સૌથી વધુ સરકારી દેવું ધરાવતા દેશોમાં અમેરિકા 41.4 ટ્રિલિયન ડોલર (આશરે 3,933 લાખ કરોડ રૂપિયા), ચીન 22.5 ટ્રિલિયન ડોલર (2,137.5 લાખ કરોડ રૂપિયા), જાપાન 8.7 ટ્રિલિયન ડોલર (826.5 લાખ કરોડ રૂપિયા), બ્રિટન 4.4 ટ્રિલિયન ડોલર (418 લાખ કરોડ રૂપિયા), ફ્રાન્સ 4.2 ટ્રિલિયન ડોલર (399 લાખ કરોડ રૂપિયા), ઇટાલી 3.7 ટ્રિલિયન ડોલર (351.5 લાખ કરોડ રૂપિયા), જર્મની 3.5 ટ્રિલિયન ડોલર (332.5 લાખ કરોડ રૂપિયા), ભારત 3.4 ટ્રિલિયન ડોલર (323 લાખ કરોડ રૂપિયા) અને કેનેડા 2.9 ટ્રિલિયન ડોલર (275.5 લાખ કરોડ રૂપિયા) ધરાવે છે.

IMFના 2026ના અંદાજ મુજબ, ભારતનું કુલ સરકારી દેવું દેશના જીડીપીના 83.4% જેટલું છે. જોકે વધુ દેવું હોવાનો અર્થ સીધો આર્થિક સંકટ નથી થતો. જાપાન પર તેનું દેવું જીડીપીના 199%, અમેરિકા પર 127% અને ફ્રાન્સ પર 118% છે. કોઈ પણ દેશની નાણાકીય સ્થિતિ માત્ર દેવાના આંકડા પરથી નહીં, પરંતુ તેની વ્યાજ ચૂકવવાની ક્ષમતા, આવક વૃદ્ધિ અને અર્થતંત્રની મજબૂતીના આધારે નક્કી થાય છે.