વિશ્વ બેંકના 2026ના 'પૉવર્ટી એન્ડ ઇનઇક્વાલિટી પ્લેટફોર્મ'ના તાજા ડેટા મુજબ, અમેરિકા, કેનેડા, જર્મની જેવા સમૃદ્ધ દેશોના સૌથી ગરીબ 10 ટકા લોકોની આવક ભારતના સૌથી ધનિક 10 ટકા લોકો કરતાં પણ વધુ છે. આ આંકડો ભારતની આર્થિક સ્થિતિ અને આવક વિતરણ સામે મોટો પડકાર ઊભો કરે છે.
વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે, ભારતમાં સૌથી ગરીબ 10 ટકા લોકોની દૈનિક આવક અથવા વપરાશ લગભગ 3 ડોલર પ્રતિ વ્યક્તિ છે. સરખામણીમાં, અમેરિકામાં આ આંકડો 25 ડોલર, કેનેડામાં 31 ડોલર, જ્યારે જર્મની અને ઑસ્ટ્રેલિયામાં 28 ડોલર છે.
બીજી તરફ, ભારતના સૌથી ધનિક 10 ટકા લોકોની દૈનિક આવક ફક્ત 10 ડોલર છે. તે જ સમયે, અમેરિકામાં ધનિક 10 ટકા લોકોની દૈનિક આવક 173 ડોલર, કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં 129 ડોલર અને જર્મનીમાં 128 ડોલર સુધી પહોંચે છે.
નોંધનીય છે કે, ભારતના આર્થિક સર્વેક્ષણ (Economic Survey of India) મુજબ, જો કોઈ વ્યક્તિ દર મહિને રૂ. 80,000 કમાય છે, તો તે દેશના ટોચના 10 ટકા કમાણી કરનારાઓમાં ગણાય છે. છતાં, વિશ્વના વિકસિત દેશોના સૌથી નીચલા સ્તરે રહેતા લોકો કરતાં ભારતના આ ટોચના પરિવારોનું જીવનધોરણ ઘણું નીચું રહે છે.
આ માહિતી દર્શાવે છે કે ભારતમાં આવક અસમાનતા અને ઉત્પાદકતાના સ્તરમાં સુધારાની જરૂર છે. વર્લ્ડ બેંકના આ ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે દેશની આર્થિક પ્રગતિનો લાભ સૌથી નીચલા વર્ગ સુધી પહોંચાડવા માટે નીતિઓમાં ફેરફાર જરૂરી છે.