વર્લ્ડ બેંકે 2026નો પોવર્ટી એન્ડ ઇનઇક્વાલિટી પ્લેટફોર્મ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ભારતની આર્થિક સ્થિતિ અંગે મહત્વપૂર્ણ આંકડા રજૂ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારતના સૌથી અમીર 10 ટકા લોકોની રોજની કમાણી અમેરિકા, કેનેડા, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોના સૌથી ગરીબ 10 ટકા લોકો કરતાં ઓછી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં સૌથી ગરીબ 10 ટકા લોકોની દૈનિક આવક પ્રતિ વ્યક્તિ લગભગ 3 ડોલર છે. અમેરિકામાં આ આંકડો 25 ડોલર, કેનેડામાં 31 ડોલર, જ્યારે જર્મની અને ઓસ્ટ્રેલિયામાં 28 ડોલર છે. બીજી તરફ, ભારતમાં સૌથી અમીર 10 ટકા લોકોની દૈનિક આવક પ્રતિ વ્યક્તિ લગભગ 10 ડોલર છે, જ્યારે અમેરિકામાં આ આંકડો 173 ડોલર, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં 129 ડોલર તથા જર્મનીમાં 128 ડોલર છે.
આ આંકડા દર્શાવે છે કે ભારતમાં રોજના 10 ડોલર (લગભગ 800 રૂપિયા) કમાતી વ્યક્તિ દેશના સૌથી અમીર 10 ટકા લોકોમાં ગણાય છે, જ્યારે અમેરિકા કે કેનેડામાં આટલી જ કમાણી ધરાવતી વ્યક્તિ સૌથી ગરીબ 10 ટકા લોકોમાં ગણાય છે. આમ, ભારતમાં મહિને 80,000 રૂપિયા કમાતી વ્યક્તિ પણ ટોચના 10 ટકા અમીરોમાં સામેલ થાય છે.
ફાઉન્ડેશન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટના પ્રોગ્રામ એસોસિયેટ અહોના દત્તાગુપ્તાએ જણાવ્યું કે આ સરખામણી ભારત માટે મોટી સમસ્યા તરફ ઈશારો કરે છે. માત્ર ગરીબી જ નહીં, પણ ભારતની અર્થવ્યવસ્થામાં મોટું અંતર છે. તેમણે કહ્યું કે ગરીબ ભારતીયોના જીવનધોરણમાં સુધારો જરૂરી છે, પરંતુ માત્ર તેનાથી દેશ સમૃદ્ધ બનશે નહીં. ભારતે સમગ્ર વસ્તીની આવક વધારવા પર ધ્યાન આપવું જોઈએ.
આવક વધારવા માટે દરેક ક્ષેત્રમાં ઉત્પાદન વધારવું પડશે, જેથી રોજગારીની તકો ઊભી થાય અને પરિવારોની આવક મજબૂત બને. પરંતુ આ સહેલું નથી; તેના માટે નવા વિચારો અને વ્યવસાયમાં પ્રયોગોની સ્વતંત્રતા જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે યુબીએસના 'ગ્લોબલ વેલ્થ રિપોર્ટ 2026' અનુસાર, 2025માં વૈશ્વિક સંપત્તિમાં 11%નો વધારો થયો છે, જે 2017 પછીનો સૌથી મોટો ઉછાળો છે. આ વધારાનું મુખ્ય કારણ શેરબજારોમાં આવેલી તેજી છે. ભારતમાં અમીર અને મધ્યમ વર્ગનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે.