સત્ય. સાહસ. સંકલ્પ.

ઘરમાં WiFi લગાવતા પહેલાં જાણો: વાયર્ડ કે વાયરલેસ, કયું કનેક્શન તમારા માટે સારું?

ઘરમાં WiFi લગાવતા પહેલાં જાણો: વાયર્ડ કે વાયરલેસ, કયું કનેક્શન તમારા માટે સારું?

ઇન્ટરનેટ આજે ઘરની મૂળભૂત જરૂરિયાત બની ગયું છે. ઘરેથી કામ, ઓનલાઇન ક્લાસ, OTT પર ફિલ્મો કે સોશિયલ મીડિયા — દરેક કામ માટે ઇન્ટરનેટ જોઈએ છે. એટલે મોટા ભાગનાં ઘરોમાં WiFi કનેક્શન હોય છે.

પણ નવું કનેક્શન લેતી વખતે એક સામાન્ય મૂંઝવણ થાય છે — વાયર્ડ કે વાયરલેસ? બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. ઘણા લોકો પહેલાં આ તફાવત સમજ્યા વિના નિર્ણય લઈ લે છે અને પછી ધીમી ગતિ તથા બફરિંગની ઝંઝટ સહેવી પડે છે.

વાયર્ડ કનેક્શન એટલે શું?

વાયર્ડ ઇન્ટરનેટમાં ફાઇબર-ઓપ્ટિક, કોએક્સિયલ કેબલ કે ટેલિફોન લાઇન દ્વારા સીધું કેબલ તમારા ઘર સુધી આવે છે. ડેટા ભૌતિક કેબલમાંથી મોડેમ સુધી પહોંચે છે, તેથી સિગ્નલ તૂટવાનો કે આસપાસના અવરોધની અસર થવાનો સવાલ નથી.

આ કનેક્શન વધુ સ્થિર હોય છે અને સરળતાથી 1 થી 5 Gbps સ્પીડ આપી શકે છે. જો ઘરમાં ઘણા લોકો એકસાથે ઓનલાઇન ગેમિંગ કરતા હોય, મોટી ફાઇલો ડાઉનલોડ કરતા હોય કે સતત 4K વિડિયો સ્ટ્રીમ કરતા હોય, તો વાયર્ડ કનેક્શન યોગ્ય રહે છે. તે ઓછા ખર્ચે અનલિમિટેડ હાઇ-સ્પીડ ડેટા પણ આપે છે.

વાયરલેસ કનેક્શન એટલે શું?

વાયરલેસ ઇન્ટરનેટમાં ઘરમાં વાયરિંગની જરૂર પડતી નથી. ફક્ત એક નાનું ગેટવે ડિવાઇસ કે રાઉટર મૂકવું પડે છે. મોબાઇલ ફોનની જેમ તે નજીકના 5G કે 4G ટાવર સાથે સીધું જોડાય છે. રાઉટરને પાવર સપ્લાયમાં પ્લગ કરો અને ચાલુ કરો — બસ એટલું જ.

આ વિકલ્પ એવા લોકો માટે ઉપયોગી છે જેઓ ભાડાના ઘરમાં, શેરી કે સોસાયટીમાં રહે છે, જ્યાં ફાઇબર કેબલ પહોંચતું નથી. તે વાયર્ડ જેટલી ઝડપ આપતું નથી, પણ સામાન્ય બ્રાઉઝિંગ, સોશિયલ મીડિયા અને રોજિંદા કામ માટે આરામદાયક વિકલ્પ છે.

તો પસંદગી કઈ કરવી?

જો તમને સતત હાઇ સ્પીડની જરૂર હોય, ઘરેથી ઓનલાઇન કામ કરતા હોવ, ગેમિંગનો શોખ હોય અને તમારા વિસ્તારમાં ફાઇબર કેબલ ઉપલબ્ધ હોય, તો વાયર્ડ કનેક્શન પસંદ કરવું યોગ્ય છે.

બીજી તરફ, જો તમે વારંવાર ઘર બદલતા હોવ, કેબલ લગાવવાની ઝંઝટ ટાળવી હોય અને ઇન્ટરનેટની જરૂરિયાત પણ વધારે ન હોય, તો વાયરલેસ ઇન્ટરનેટ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.