ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન, જે અગાઉ ફેબ-4 યાદીમાં સામેલ હતા, તેમણે ટેસ્ટ ક્રિકેટની આગામી પેઢીના ફેબ-5 બેટર્સ પસંદ કર્યા છે. તેમની પસંદગીમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઇંગ્લેન્ડના હેરી બ્રુક, ઓસ્ટ્રેલિયાના કેમેરન ગ્રીન અને ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્રનો સમાવેશ થાય છે.
વિલિયમસને આ નામો ગુરુવારે 'ધ ICC રિવ્યૂ' શોના તાજેતરના એપિસોડમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈન સાથેની વાતચીતમાં જણાવ્યા.
યાદ કરીએ તો 2014માં ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર માર્ટિન ક્રોએ વિલિયમસન, વિરાટ કોહલી, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ઇંગ્લેન્ડના જો રૂટને ટેસ્ટ ક્રિકેટના ચાર મોટા બેટર ગણાવીને 'ફેબ-4' નામ આપ્યું હતું.
ફેબ-4 ટૅગ સાથે જોડાયેલા દબાણ વિશે પૂછાતાં વિલિયમસને કહ્યું કે તેમણે આ ટૅગને ક્યારેય બોજ તરીકે અનુભવ્યો નથી. તેમણે બાકીના ત્રણેય ખેલાડીઓની ખૂબ પ્રશંસા પણ કરી.
તેમણે જણાવ્યું કે યોર્કશાયરમાં તેઓ જો રૂટ સાથે રમ્યા છે અને બાકીના ત્રણ ખેલાડીઓ સામે પણ લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યા છે. તેમને ચારેય ખેલાડીઓની રમવાની રીત ખૂબ ગમે છે, અને ચારેય એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે.
વ્યક્તિગત સિદ્ધિઓ અને ફેબ-4નો હિસ્સો બનવું પોતાના માટે ખાસ રહ્યું હોવાનું વિલિયમસને કહ્યું, પરંતુ તેમનું ધ્યાન હંમેશાં ટીમની જીત અને પોતાની રમત સુધારવા પર રહ્યું છે.
અલગ-અલગ સમયગાળામાં રમેલા ખેલાડીઓની તુલના મુશ્કેલ હોવાનું તેમણે સ્વીકાર્યું. છતાં પાછળ જોતાં ચારેય ખેલાડીઓ લાંબા સમય સુધી રમ્યા અને ઘણા રન બનાવ્યા, એ બાબત ખાસ લાગે છે.