ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર વિલિયમ ઓ'રોર્ક ભારત સામેની આગામી વન-ડે અને ટેસ્ટ સિરીઝમાં રમી શકશે નહીં. તે ડાબા પગની જાંઘ અને પિંડળીની ઈજામાંથી સંપૂર્ણપણે સાજો થઈ શક્યો નથી.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે શનિવારે આ માહિતી આપી. બોર્ડે તેને સાવચેતીપૂર્વક લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. ઓ'રોર્કનું લક્ષ્ય 9 ડિસેમ્બરથી પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં વાપસી કરવાનું છે.
ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થશે. 5 T20 મેચ બાદ 5 વન-ડે મેચોની સિરીઝ રમાશે. ત્યારબાદ 2 ટેસ્ટ મેચ રમાશે.
ઓ'રોર્ક એપ્રિલ 2025 બાદ ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. ગયા સ્થાનિક સીઝનમાં પીઠમાં થયેલા સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે તે બહાર રહ્યો હતો. 7 મહિના સુધી બહાર રહ્યા બાદ તેણે એપ્રિલમાં બાંગ્લાદેશ પ્રવાસથી વાપસી કરી હતી. તેણે ત્યાં ત્રણેય વન-ડે મેચ રમી હતી. ઓ'રોર્કે જૂનમાં ઇંગ્લેન્ડ સામેની ત્રણેય ટેસ્ટ મેચ રમી હતી. નોટિંગહામમાં રમાયેલી ત્રીજી ટેસ્ટના અંતિમ દિવસે તેની હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. ઓગસ્ટના અંતમાં તાલીમ દરમિયાન તેની પિંડળીની માંસપેશીમાં ખેંચાણ આવી ગયું હતું. ત્યારબાદ તે ફરીથી રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે.
ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ રોબ વૉલ્ટરે કહ્યું, ‘ભારત સામે ઘરઆંગણે યોજાનારા મોટા પ્રવાસમાંથી વિલનું બહાર થવું નિરાશાજનક છે.’ તેમણે કહ્યું, ‘તે વન-ડે અને ટેસ્ટ બંને સિરીઝમાં રમવાનો હતો. બાદમાં થયેલી ચર્ચા પછી અમે સૌ એ વાત પર સહમત થયા કે તેને બંને ઈજાઓમાંથી સાજા થવા માટે વધુ સમય આપવો વધુ સારો રહેશે.’
ઓ'રોર્કને ન્યૂઝીલેન્ડની T20I ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. પાંચ મેચની આ સિરીઝ 22 ઓક્ટોબરથી શરૂ થશે. ન્યૂઝીલેન્ડને આ ટીમમાં પહેલેથી જ ફેરફારો કરવા પડ્યા છે. ઈજાઓને કારણે માર્ક ચેપમેન અને જેક ફાઉલક્સ બહાર થઈ ગયા છે. આ બંનેના સ્થાને જોશ ક્લાર્કસન અને બ્લેર ટિકનરને ટીમમાં સામેલ કર્યા છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટએ જણાવ્યું કે ઓ’રૂર્ક ભારત સામેની વન-ડે અને ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સામેલ થવાની દોડમાં હતો. જોકે, બંને ઈજાઓને કારણે તેને સમગ્ર પ્રવાસમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય તેમને સુરક્ષિત રીતે બોલિંગનો વર્કલોડ વધારવા માટે લેવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ ટીમ મેનેજમેન્ટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં તેમની સંપૂર્ણ ફિટનેસ ઇચ્છે છે.